અમદાવાદમાં 20 વર્ષથી શરીર વેચી રહેલી સુખી-સંપન્ન પરિવારની મહિલાની દર્દનાક આપવીતી

“મારું નામ પૂજા છે. હું અમદાવાદમાં છું અને 20 વર્ષથી મારો દેહ વેચી રહી છું. પણ તમે મારો વિશ્વાસ કરો, હું ક્યારેય આમ કરવા માંગતી ન હતી. મારે પણ બીજી સ્ત્રીઓની જેમ પરિવાર સાથે રહેવું હતું, બાળકોને મોટા કરવા હતા… પણ મજબૂરીની મારી આ વેશ્યાવૃતિના ખપ્પરમાં હોમાવા આવી ગઈ. અમારો પરિવાર આમ તો સમૃદ્ધ હતો, છતાં અનેક અજાણ્યા લોકોની સાથે નિવસ્ત્ર થવું પડ્યું. આંખમાંથી આંસુ આવતા હતા ત્યારે હવસખોરો મને ચૂંથી રહ્યા હતા. બે ઘડી આવા લોકોને ધક્કો મારી ઊભા થઈ જવાનું મન થતું, પણ શું કરું ઘરે ભૂખથી ટળવળતા બાળકોના ચહેરા આંખ સામે આવી જતા હતા..”

‘પતિની જેલમાં આવ-જા ચાલુ રહે તો મારે કાંઈ તો કરવું પડે ને’
કહેવાય છે કે મજબૂરી જે કરાવે તે કોઈ ન કરાવે અને પૂજા સાથે પણ આવું જ થયું. ત્રણ બાળકો સાથે હોય ને પતિ જેલમાં હોય, બાળકો ભૂખથી ધ્રુસકેને ધ્રુસકે રડતા હોય ત્યારે મા બાળક માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. પૂજા માટે પણ સ્થિતિ વિકટ હતી. શું કરવું એ સમજાતું નહોતું અને છેવટે શરીર વેચીને ઘરનો ચૂલો ધગતો રાખવા સિવાય બીજો કોઈ રસ્તો તેને દેખાયો નહીં. તેણે ખૂબ મજબૂર સ્વરે કહ્યું, “સાહેબ… આ દુનિયા બહુ ખરાબ છે.. પતિ જેલમાં આવ-જા કરે ને ઘરમાં છોકરા ભૂખથી રોકકળ મચાવે તો કાંઈ સૂઝતું નથી. જે ઠીક લાગ્યું એ કર્યું, પણ મને એટલી ખબર છે કે મારી આ પ્રવૃત્તિ ગમેતેટલી ખરાબ હોય, પરંતુ મારો છોકરો ભણીગણીને વિદેશ પહોંચ્યો છે ને હવે બીજાની જવાની તૈયારીઓ પણ ચાલુ છે.”

પૂજા પોતાની દર્દનાક આપવીતી જણાવતા કહે છે, ‘હું ઉત્તરપ્રદેશના એક પ્રતિષ્ઠિત પરિવારની દીકરી હતી. ઘરમાં બે બહેનો પણ હું સૌની લાડકી હતી. પિતાએ ભણાવવાની ઉંમરમાં 14 વર્ષની વયે પરણાવી દીધી. લગ્ન એ અંગે કઈ ખબર નહોતી અને 16 વર્ષની વયે પુત્રને જન્મ આપ્યો. પછી ત્રણ દીકરાને જન્મ આપ્યો. પરિવાર અમદાવાદ શિફ્ટ થયો પણ બિઝનેસ બંધ થઈ ગયો હતો. પતિ કામ ધંધો કરતો નહીં અને ક્રિમીનલ નીકળ્યો. પતિને 4 વર્ષની જેલની થઈ તો હું બેભાન થઈ ગઈ હતી. પરિવારની આબરુ હતી તો થોડા દિવસ ઉધાર મળ્યું. ભાડુ ચડી જતા મકાન ખાલી કરવાનો વારો આવ્યો. ત્રણ દીકરાઓ ખાવા માટે રડતા હતા. એક ટાઈમ જમવાનું હતું, પણ એ પણ 8 દિવસમાં ખાલી થઈ ગયું. એવો દિવસ આવ્યો કે ઘરમાં 50 ગ્રામ ખાંડનું પાણી જ બચ્યું હતું. જોકે પછી એ પણ ખાલી થઈ ગયું.’

આગળ કહે છે, ‘અમારી સ્થિતિ સાવ ડલ થઈ ગઈ હતી. બીજાના ઘરના કામ કર્યા. નવરાત્રિની કંઠીઓ બનાવી, ચણિયાચોળીના ટીકડા ચોંટાડ્યા, પણ કશું મેળ ન આવ્યો. મારા સસરાને મિલમાં કોન્ટ્રેક્ટ ચાલતો એ પણ બંધ થઈ ગયો. એક સમય એવો આવ્યો કે હું દરવાજે બેસી રહેતી ને બહાર જોતી કે કોઈ એંઠવાણ નાખીને જાય તો એમાંથી કાંઈ ઉપાડીને હું મારા છોકરાને ખવડાવું, તો મારા છોકરાઓનું પેટ તો ભરાય. ‘

પૂજા કહે છે, ‘પછી એક દિવસ એક જાહેરાત વાંચીને એ સરનામે 12 કિમી ચાલીને પહોંચી. એક મહિલાએ કહ્યું હું કહું એમ કરીશ તો બહુ પૈસા મળશે. એ જ દિવસે મને એક જ દિવસમાં 5 હજાર ટિપ મળી. પોશ એરિયામાં પાર્લરમાં શરીર વેચવાનો ધંધો ચાલતો હતો. એ દિવસે દાળ-ચોખા લાવી રાંધી પરિવારને ભરપેટ જમાડ્યો. પરિવારમાંથી કોઈએ પૂછ્યું નહીં કે રૂપિયા ક્યાંથી આવ્યા.’

‘મારા અંગે સ્થાનિકોને ખબર પડી તો ખરાબ નજરે જોતા. હું તરત પતિ-બાળકો સાથે અલગ રહેવા જતી રહી. સવારે જ બાળકો માટે ભોજન બનાવી જતી રહેતી. અનેક લોકોની સામે અને સાથે નિર્વસ્ત્ર થવું પડ્યું. હવસખોરો દેહને ચૂંથતી નાખતા અને કહેતા જતા કે પૈસા તો આપું છું ને. આ ધંધામાં ઘણાએ ઠાલા વચનો આપીને મને છેતરી હતી. અહીં ડગલને પગલે મારો ઉપયોગ કરવાવાળા જ મળ્યા.

એક એક વખત એક ચોખા બજારના એક મોટા વેપારીએ બોલાવી. હું કંઈ પણ વિચાર્યા વગર તેની ગાડીમાં સાથે બેસી ગઈ. મજબૂરીનો લાભ લેનાર એ પહેલી વ્યક્તિ હતી. ગોડાઉનમાં કામના નામે ફાર્મ હાઉસમાં લઈ ગયો. તમામ પ્રકારની વાસના સંતોષીને રવાના કરી. આ સિલસિલો મારી મજબૂરીના લીધે આગળ વધતો ગયો. મને લાગણી અને લોભામણી વાતોથી નફરતી થઈ ગઈ હતી.’

‘દીકરા મોટા થતાં સ્કૂલમાં મૂક્યા, જે હોશિયાર નીકળ્યા. તેમણે જિંદગીને મુશ્કેલ નહીં આસાન બનાવવાનું શીખવ્યું. મોટા દીકરાએ વિદેશ ભણવા જવાની ઈચ્છા કહી. મારું બેંકમાં ખાતું પણ નહોતું. કોને મળવું અને શું કરવું કંઈ જ ખબર નહોતી પડતી. 4 ટકાના વ્યાજે રૂપિયા લઈને દીકરાને કેનેડા મોકલ્યો. દીકરો વિદેશમાં સેટલ થયો ત્યાં એન્જિનિયર બની ગયો અને તેને પીઆર પણ મળી ગયા. હવે મારો બીજો દીકરો વિદેશ જશે, જેની વિઝાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.’

‘મોટો દીકરો વિદેશમાં સારુ કમાઈ લે છે. જોકે બીજા બે દીકરા માટે હજી પણ શરીર પણ શરીર વેચું છું. હું છેલ્લાં 20 વર્ષથી શરીર વેચું છું, આત્મા નથી વેચતી. જોકે મારા અંગે મારા દીકરાઓને ખબર નથી કે હું વેશ્યાવૃત્તિ કરીને ગુજરાન ચલાવું છું.’

‘શરીર વેચવાના ઘંઘામાં 20 વર્ષ પહેલાં મહિલાઓની મરજી ચાલતી હતી. સંચાલક કે દલાલ દ્વારા કોઈ દબાણ કરવામાં આવતું નહીં. એ વખતે સ્પા-પાર્લરમાં સેક્સ રેકેટ એ નવાઈની વાત હતી. બેનિફિટ હોય તો જ મહિલા આગળ વધતી. એ સમયે મજબૂરને બે પૈસા વધુ મળતા હતા. આ ધંધામાં આવતી મજબૂર યુવતીઓને રોકવી જોઈએ. હવે તો યુવતીઓને વેચીને અહીં લાવવામાં આવે છે. એકલી યુવતીનો કોઈને કોઈ ઉપયોગ જ કરતા હોય છે.’

error: Content is protected !!