‘પરિણીત હોવા છતા લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા, પ્રેમી વિશાલ અને તેની પત્નીએ જિંદગી બરબાદ કરી નાંખી’

સુરતના કાપોદ્રામાં એક યુવતીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ અંગે યુવક અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવતીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં લખ્યું હતું કે વિશાલે લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો. તેની પત્નીને જાણ હોવા છતાં સાથ આપતી હતી. આ બંનેએ મારી જિંદગી બરબાદ કરી નાખી. મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો જ મારા આત્માને શાંતિ મળશે.

ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં મૂળ ઉમરપાડાની સુનિતા(નામ બદલ્યું છે) ભાણેજ સાથે રહેતો હતી. હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. ગત રોજ સવારે 10 વાગ્યા દરમિયાન સુનિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. પોલીસે સુનિતાને સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને સુનિતાના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

લગ્ન કરવાની લાલચ આપી સંબંધ બાંધ્યો
સુનિતાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું પોતે સુનિતા. મારો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ (રહે. ડુંગરા કામરેજ, રામજી મંદિર ટાંકી ફળિયું) સાથે હતો. હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. વિશાલ પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો. તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી, એમ છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી. હું આજે આ ખોટું પગલું ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે.

વિશાલ મને મારતો, મેન્ટલી હેરાન કરતો
સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે કામિની (નામ બદલ્યું છે, વિશાલની પત્ની) અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું, વિશાલ મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.

સુસાઈડ નોટ આધારે ગુનો નોંધાયો
મહિલાના આપઘાતને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની સામે સુનિતાને આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!