ચાલુ બાઈક પરથી મહિલા પટકાઈ, પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત
વલસાડ: બગવાડા ટોલનાકા હાઈવે પર બાલદાના પતિ-પત્ની અને પૌત્ર સાથે બાઈક પર વાપી લગ્નમાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક બાઈક પરથી પત્ની નીચે પટકાતા પાછળથી પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે માથા પર ટાયર ચઢાવી દેતા પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકની પારડી પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામના કમઠી ફળિયા ખાતે રહેતા ભરતભાઈ ખાલપભાઈ પટેલના ઓ આજરોજ તેમની પત્ની ઉષાબેન ભરતભાઈ પટેલ અને પૌત્ર શિવ યોગેશભાઈ પટેલ બાઈક ન. GJ-15-R-6615 ઉપર વાપી ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા.
તે દરમ્યાન બગવાડા ટોલનાકા હાઈવે તીઘરા નજીક પેટ્રોલપમ્પ સામે અચાનક ચાલુ બાઈક પરથી ઉષાબેન નીચે પડી જતા પાછળથી પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી આવતા ટ્રક ન. GJ-12-BT-0218ના ચાલકે પત્નીના માથા ઉપર વ્હીલ ચઢાવી દેતા ઘટના સ્થળ પર જ ઉષાબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને ઓરવાડ સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.
ઘટના અંગે પતિ ભરતભાઈ પટેલે પારડી પોલીસ મથકે ટ્રક ચાલક રાજેશ કરસનભાઈ ખટારીયા રહે કચ્છ ભુજ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક અને ચાલક ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં આજે અકસ્માતો ની વણઝાર જોવા મળી હતી. પારડી માં 3, વલસાડ માં 1 સહીત 4 અકસ્માતો સર્જાયા હતા.