સુરત લક્ઝરી બસમાં સળગી ગયેલી પરિણીતાના ભાવનગરમાં ભારે હૈયે અંતિમ સંસ્કાર કરાયા, પરિવારનું કરૂણ આક્રંદ

ભાવનગર: સુરત શહેરમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. જેમાં ભાવનગરની એક મહિલાનું મોત થયું છે. સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે. જે પૈકી પરિણીતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો.

આ બનાવની વિગતો મુજબ સુરતના યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

આજે મૃતકના પરિવારજનોએ સુરત પહોંચી પરિણીતાએ પહેરેલી વીંટી, ઝાંઝર અને કપડાના આધારે શબ પરિણીતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી.

જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.

આ બનાવમાં ભોગ બનનાર સિંધી દંપતીની ગોવાથી અમદાવાદની આજે બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જયારે હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે 5 વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા રાજધાની ટ્રાવેલ્સમાં હીરાબાગથી બેઠા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી.

આ બનાવમાં ભોગ ગ્રસ્ત દંપતીના લગ્ન થયાને હજુ બે વર્ષ જ થયા હતા, 17મીએ એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું. પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા વિશાલ નારાયણભાઇ નવલાણી (રે. રસાલા કેમ્પ, ડોકટર હાઉસ સામે, રમ નંબર 7, ઘર નં 182) તેમના પત્ની તાન્યાબેન સાથે ગોવા ફરવા ગયા હતા. રિટર્ન ફરતી વખતે સુરતથી ખાનગી બસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા.

રાજધાની ટ્રાવેલ્સની બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધુ ભડકી હોવાનું ભોગગ્રસ્તના સગાઓએ જણાવ્યું હતું. આ મામલે ઊંડી તપાસ કરવા માંગ કરાઈ છે. સુરત બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગરની દીકરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકાર સહાય આપે તેમની ઉચ્ચ સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાયે તેવી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે.

error: Content is protected !!