જન્મદિવસે જ મળ્યું મોત, મૃતક બન્ને પરિવારના એકના એક દીકરા હતા, પરિવાર પર વ્રજઘાત

ગાંધીનગરઃ દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જેનો બર્થ ડે હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ ત્રીજા મિત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતા 23 વર્ષીય મયૂર સુધીરભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે 8 ડિસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન એમ ત્રણેય મિત્ર એક્ટિવા પર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.

રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા મયૂર લાખાણી ચલાવતો હતો. આ દરમિયાન લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રક (GJ-07-YZ-7018)ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.

અકસ્માત થતાં જ ત્રણેય મિત્રો એક્ટિવા પરથી ઊછળીને જમીન પર પટકાયા હતા, જેને કારણે નીલ અમીનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બન્ને મિત્રને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવના પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.

108 એમ્બ્યુલન્સ મારફત મયૂર લાખાણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ મયૂર ઠાકોરને ખાનગી એમ્બ્યુલન્સમાં દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સિવિલમાં ગંભીર ઈજાગ્રસ્ત મયૂરની સારવાર શરૂ કરાઈ હતી, પરંતુ થોડીક વારમાં જ તેનું પણ અકાળે અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં ત્રણેય  મિત્રનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં.

જ્યારે મયૂરનો જન્મદિવસ જ મોતનો દિવસ સાબિત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. જ્યારે બન્ને મિત્ર પરિવારમાં એકના એક પુત્ર હોવાથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બનાવના પગલે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એન. એ. વછેટાએ ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!