બાઇક સ્લીપ થતા મિકેનિકલ એન્જિનિયરનું મોત, વિધવા માતાએ એકનો એક પુત્ર અને બે બહેનોએ ભાઇ ગુમાવ્યો

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ ઉપર તંત્રના વાંકે અંડરબ્રિજમાં પાણી ભરાય છે ત્યારે અનેક વાહનો સ્લીપ થાય છે અને અકસ્માત થાય છે. અનેક અકસ્માત થયાના ભૂતકાળમાં દાખલા છે. ત્યારે ગઈકાલે અંડરબ્રિજમાં રાત્રે પાણી ભરાયું હોય મિકેનિકલ એન્જિનિયર તેમના મિત્ર સાથે બાઇક પર જતો હતો. ત્યારે પાણીને લીધે બાઇક સ્લીપ થતા જ યુવાન અને તેનો મિત્ર રસ્તા પર ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. બંનેને સારવારમાં ખસેડવામાં આવતા મિકેનિકલ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું. મૃતક વિધવા માતાનો એકનો એક દીકરો અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો.

યુવાન નાનામવા રોડ પર રાજનગર-3માં રહેતો હતો
પ્રાપ્ત વિગત મુજબ નાનામવા રોડ રાજનગર-3માં રહેતો અને મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો દેવેન્દ્રસિંહ ભૂપતસિંહ ડાભી (ઉં.વ.24) ગઈકાલે રાત્રિના તેના મિત્ર હર્ષદ રાવરાણી સાથે બાઇક લઇ કિસાનપરા ટોક બાજુ નાસ્તો કરવા જતાં હતાં. ત્યારે અંડરબ્રિજ પાસે પહોંચતા ત્યાં પાણી ભરાયેલું હોવાથી બાઇક ધીમું કરવા જતાં અચાનક સ્લીપ થયું હતું અને દેવેન્દ્રસિંહ ડાભી અને મિત્ર હર્ષદ રસ્તા પર ફંગોળાયા હતા અને બંનેને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દેવેન્દ્રસિંહ ડાભીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ચાર મિત્રો બે બાઇક પર નાસ્તો કરવા જતા હતા
દેવેન્દ્રસિંહ ડાભીના મિત્ર રોહિત ગોહેલે જણાવ્યું હતું કે, દેવેન્દ્રસિંહ બે બહેનના એકના એક નાના ભાઇ હતા. તે મિકેનિકલ એન્જીનિયર હતા અને મવડી રોડ પર કંપનીમાં નોકરી કરતાં હતાં. તેના પિતા હયાત નથી. માતા સરોજબેન ડાભી સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. દેવેન્દ્રસિંહ વિધવા માતાના એકના એક આધારસ્તંભ હતા. રોહિતે વધુમાં કહ્યું હતું કે રાત્રિના અગિયારેક વાગ્યે હું તથા મિત્ર હિતેન ભટ્ટી એક બાઇક પર અને મિત્ર દેવેન્દ્રસિંહ તથા હર્ષદ રાવરાણી બીજા બાઇક પર એમ બે બાઇક પર ચાર મિત્રો ઘરેથી કિસાનપરા ચોકમાં નાસ્તો કરવા જવા માટે નીકળ્યા હતાં.

અંડરબ્રિજની લોખંડની જાળીમાંથી સતત પાણી નીકળે છે
મહિલા કોલેજ અન્ડર બ્રિજમાંથી મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા તરફના રસ્તે ડીસીબીની ઓફિસ પાસે વળાંક લેતાં જ દેવેન્દ્રસિંહનું વાહન સ્લીપ થઇ ગયું હતું. અન્ડરબ્રિજમાં લોખંડની જાળીમાંથી સતત પાણી નીકળતું હોવાથી રસ્તા ભીના થઇ ગયા હતાં. આ કારણે દેવેન્દ્રસિંહના વાહનના ટાયરો ભીના થઇ ગયા હોય વળાંકમાં તેનું બાઇક સ્લીપ થઇ ગયું હતું.

error: Content is protected !!