પુત્રના મોતના ત્રણ વર્ષ બાદ વિધવા પુત્રવધુના લગ્ન કરાવી સાસુ-સસરાએ જ આપ્યું કન્યાદાન
સામાન્ય રીતે ફિલ્મો અથવા ટીવી સીરિયલમાં જોવા મળે છે કે સાસુ-સસરા પોતાની વિધવા પુત્રવધુના ફરી લગ્ન કરાવી નવું જીવન જીવાની તક આપે છે.તમને જણાવી દઈએ તે ગુજરાતમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધુના લગ્ન કરાવી સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યું હતું. આમ સાસરિયાના પ્રયાસથી દીકરીને એક પિતાનો અને કિંજલને પતિનો સાથ મળ્યો જ્યારે કિંજલે ફરી પોતાના જીવનની શરૂઆત પણ કરી.
SBIમાં મેનેજર પદ પરથી રિટાયર્ડ મુકેશ શાહના એન્જિનિયર એકમાત્ર પુત્ર અંકુશ શાહના લગ્ન 2014માં મહારાષ્ટ્રના ધૂલિયામાં રહેતી કિંજલ સાથે થયા, લગ્ન બાદ અચાનક અંકુશની તબીયત ખરાબ થવા લાગી, રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે તેને પેટનું કેન્સર છે.
આ દરમિયાન કિંજલ ગર્ભવતી પણ બની. શાહ પરિવારે પોતાના એકના એક પુત્રની સારવારમાં કોઇ કસર ન છોડી પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું 15 માર્ચ 2017ના રોજ અંકુશનું મૃત્યુ થઇ ગયું.
પુત્રના મૃત્યુ બાદ સમગ્ર પરિવાર ડિપ્રેશનમાં આવી ગયો હતો. અંકુશની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો જે સાડા ત્રણ વર્ષની થઇ ગઇ છે. પતિના મૃત્યુ બાદ પણ તેની પત્ની કિંજલે સાસરિયામાં જ રહીને સાસુ-સસરાની સેવા કરવાનું નક્કી કર્યું.
બાદમાં અંકુશના કાકા-કાકીએ કિંજલના બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો પરંતુ કિંજલે આ વાત ન સ્વીકારી, બાદમાં અનેખ વખત સમજાવ્યા બાદ બે વર્ષ સુધી યુવકની શોધ હાથ ધરવામાં આવી.
બાદમાં વડોદરામાં રહેતા એક યુવકે લગ્ન કરવા તૈયારી દર્શાવી અને અંકુશની પત્ની કિંજલ અને તેની દીકરીને અપનાવ્યા. આમ સાસરિયાના પ્રયાસથી દીકરીને એક પિતાનો અને કિંજલને પતિનો સાથ મળ્યો જ્યારે કિંજલે ફરી પોતાના જીવનની શરૂઆત પણ કરી.