મારા ભાભી અને ભત્રીજીએ મારી સામે જ અંતિમ શ્વાસ લીધા, પરિવારના સભ્યે જણાવી આપવીતી

વડોદરા: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીની બાજુમાં રહેતો મારો ભાઇ અને તેનો પરિવાર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મારા ભાભી અને ભત્રીજીએ મારી સામે જ અંતિમ શ્વાસ લીધો હતો. કંપની કમ્પાઉન્ડમાં જોયેલા ભયાવહ દ્રશ્યો આંખો સામેથી જતાં નથી. તેમ કંપનીના જ બીજા પ્લાન્ટમાં નોકરી કરતા ભાવિન મકવાણાએ જણાવ્યું હતું.

ઘટનાના પ્રત્યદર્શી ભાવિન મકવાણાએ જણાવ્યું કે, હું ડ્યુટી મુજબ કંપનીના બીજા પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો, ત્યારે 9:45 કલાકે મને પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. અવાજ સંભળાતા જ હું મારૂ કામ છોડીને કેન્ટોન લેબોરેટરીઝની સિક્યુરીટી કેબિન સુધી એકી શ્વાસે દોડીને આવી ગયો હતો. ત્યાં જે દ્રશ્યો જોયા તે મારી આંખો સામેથી જતાં નથી.

ભાવિને જણાવ્યું કે, ભયાવહ દ્રશ્યો વચ્ચેથી સીધો ઘટના સ્થળની પાસે રહેતા મારા ભાઇ કલ્પેશ, ભાભી વર્ષાબેન ચૌહાણ, દિકરો જશુ, અને દિકરી દિશુની ખબર કાઢવા પહોંચી ગયો હતો. જ્યાં મારા ભાભી વર્ષાબેન ચૌહાણ અને દિકરી દિશુ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં જોવા મળ્યા હતા. બંનેને સારવાર માટે શ્રોફ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં છે. જ્યારે ભાઇના દીકરા જશુને ઇજાઓ ન થઇ હોવાથી તેને લઇને હું બહાર નિકળી ગયો હતો.

ભાવિને જણાવ્યું હતું કે, મારા ભાભી અને માસુમ ભત્રીજીની હાલત જોઈ હેબતાઇ ગયો હતો. એક તબક્કે શું કરવું તેની ખબર પડતી ન હતી. આ ઘટનામાં બચી ગયેલા ભત્રીજાને ઘરે મૂકી સીધો હોસ્પિટલ પહોંચી ગયો હતો. ભાઇની હાલત ગંભીર છે. આ ઘટનાએ છઠ્ઠીના ઘડી ભાગમાં પરિવારનો માળો વિખેરી નાખ્યો.

વડોદરા શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રની સહિત 4ના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

error: Content is protected !!