હીરાના વેપારીએ વતનનું ઋણ અદા કર્યુ, ગામના દાદાઓ માટે આખી ફ્લાઈટ બુક કરાવી

સુરત: વતનના રતન હીરા વેપારીએ ગામના સમાન વડીલોને અમરેલી-સુરત હવાઇ યાત્રા કરાવી હતી. અમરેલીના ધામેલ ગામના વડીલોને ગુરુવારે અમરેલી-સુરત ફ્લાઇટમાં સુરત આવી પહોંચ્યા હતા. વડીલોને સુરતમાં જોવાલયક સ્થળે ફેરવવામાં આવશે. આખું જીવન ગામમાં ખેતરમાં ખેતી કરતા વડીલોની વિમાનમાં બેસવાની ઇચ્છા હીરા વેપારીએ સાકાર કરાઈ હતી.

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાના લાખો લોકોએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હોવા છતાં વતનનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા છગનભાઇ રણછોડભાઇ સિમેડિયા 15 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં ખેતીકામ કરતા હતા. બાદમાં હીરાનો વેપાર કરવા માટે સુરત આવ્યા હતા. તેઓ સુરત અને બેલ્જિયમમાં હીરાની ઓફિસ ધરાવે છે. સુરતમાં હીરાને વેપારમાં સાધન સંપન્ન બન્યા બાદ વતનનું ઋણ અદા કરવાનું ચૂક્યા નથી.

છગનભાઇએ ગામના નવ વડીલોને સ્વખર્ચે હવાઈ યાત્રા કરાવવાનો નિર્ધાર કર્યો હતો, તેથી તેમણે ગામના નવ વડીલોની અમરેલી-સુરત ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. ગુરુવારે વહેલી સવારે તેઓ અમરેલીથી ફ્લાઈટમાં બેઠા હતા. સવારે દસ વાગે સુરત એરપોર્ટ પર ઊતર્યા હતા. એરપોર્ટથી ઘર સુધી વાહનની વ્યવસ્થા પણ કરાવવામાં આવી હતી. નવ વડીલોને સુરતમાં વિવિધ જોવાલાયક સ્થળે ફેરવવામાં આવશે. બાદમાં તેઓ સુરતમાં રહેતા પોતાના સ્વજનોના ઘરે જઇને અનુકૂળતા અનુસાર વતન પરત ફરશે. જીવનમાં સૌપ્રથમવાર હવાઈ યાત્રા કરી વડીલો ખુશખુશાલ થઈ ગયા હતા.

છગનભાઇ ગામમાં ખેતી કરતી વખતે ખૂબ મહેનત કરતા હતા. ખેતરમાં કામ કરતી વખતે આ વડીલોની મહેનત પણ તેમણે નિહાળી હતી. આ વડીલો પણ છગનભાઇ સાથે ખેતરમાં ખેતીકામ કરતા હતા. છગનભાઇને ખેતીકામમાં મદદ કરનાર વડીલોનું ઋણ ચૂકવવા માટે તેમને હવાઇ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો. નવેય વડીલોએ જીવનમાં પ્રથમવાર હવાઇયાત્રા કરી છે. તેથી વિમાનમાં બેસીને ખુશખુશાલ થઇ ગયા છે.

error: Content is protected !!