ગ્રીષ્માની જેમ જ વધુ એક દીકરીનો ભોગ લેવાયો,એકતરફી પ્રેમમાં યુવકે સરાજાહેર યુવતીનું ગળું કાપી નાખ્યું

સુરતમાં 21 વર્ષની માસૂમ દીકરી ગ્રીષ્માની હત્યાની હજુ શાહી નથી સૂકાઈ ત્યારે વધુ એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. એક માથાભરેલ યુવકે બીએમાં ભણતી વિદ્યાર્થિનીનું ગળું કાપીને રસ્તા વચ્ચે હત્યા કરી નાખી હતી. ખાસ વાત એ છે કે ઘટના બની ત્યારે રસ્તા પર ઊભેલા લોકો આ તમાશો જોતા રહ્યા હતા. યુવતી બચાવવા માટે બૂમો પાડતી રહી પરંતુ રસ્તે હાજર ઊભેલામાંથી એક પણ વ્યક્તિએ ન તો હત્યારાને રોકવાની કોશિશ કરી કે ન તો યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો.

આ બનાવ ઉતરપ્રદેશના બાગપતથી સામે આવ્યો છે. આરોપીનું નામ રિંકુ જણાવવામાં આવી રહ્યું છે. તેની હત્યા કર્યા બાદ તેણે દારૂ પીધો હતો અને સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસને પોતાની ધરપકડ કરવા કહ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે, ‘મારી ગર્લફ્રેન્ડ મારી સાથે લગ્ન નથી કરતી. તેથી મે તેને મારી નાંખી.

સરાજાહેર ગળું કાપી નાખ્યું
આ મામલો બાગપત કોતવાલી શહેરનો છે. અહીં ઝંકાર ગલીમાં રહેતી 20 વર્ષીય દીપા બીએની વિદ્યાર્થીની હતી. રિંકુ કશ્યપ તેને એકતરફી પ્રેમ કરતો હતો. ઘણી વખત દીપાએ તેને ઠપકો પણ આપ્યો હતો. આ સાથે જ રિંકુ કશ્યપે બે દિવસ પહેલા દીપાના ઘરે લગ્ન સંબંધનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, જેને દીપાના પરિવારજનોએ ફગાવી દીધો હતો.

આ વાતથી ગુસ્સે થઈને રિંકુ બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. ગુરુવારે બપોરે દીપા બજારમાંથી ઘરવખરીનો સામાન લઈને પરત ફરી રહી હતી. એ જ વખતે રિંકુએ દીપાને ભર બજારમાં રોકી. પહેલા તો લગ્ન કરવાની ના પાડવાના મુદ્દે ઝઘડો શરૂ થયો હતો. દરમિયાન જ્યારે દીપાએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે રિંકુએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે હાથાપાઈ થઈ ત્યારે રિંકુએ ખિસ્સામાંથી છરી કાઢી અને દીપા કંઈક સમજી શકે એ પહેલા તો તેણે તેના પર છરી વડે હુમલો કર્યો. દીપા બચાવવા માટે ચીસો પાડતી રહી પણ બજારમાં ઉભેલા લોકો તમાશો જોતા રહ્યા, કોઈએ પણ બચાવવાનો પ્રયાસ કર્યો નહિ.

પોલીસ સ્ટેશને ગુનો કબૂલી લીધો
આ પછી દારૂના નશામાં ધૂત રિંકુ છરી લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તેણે કહ્યું કે સાહેબ, હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો. લગ્ન સંબંધનો પ્રસ્તાવ તેના ઘરે પણ મોકલ્યો હતો. જો તેનો પરિવાર સંમત ન થયો તો મેં તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. મેં જ તેને મારી નાંખી, મારી ધરપકડ કરો. બાદમાં પોલીસે આરોપીને ઘરપડક કરી હતી

લગ્નની ના પાડતા જાનથી મારી નાખી
દીપાને લોહીલુહાણ હાલતમાં સીએચસી બાગપતમાં લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બે દિવસ પહેલા આરોપી રિંકુ કશ્યપે દીપાના પરિવારજનોનેલગ્નની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કોતવાલી બાગપત પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી.

8 વર્ષથી અફેર હતું
એસપી બાગપત નીરજ જાદૌને કહ્યું કે પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે છોકરો છેલ્લા આઠ વર્ષથી છોકરી સાથે એકતરફી પ્રેમમાં હતો. બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સંબંધીઓએ જણાવ્યું કે દીપા બાગપતની SPRC ડિગ્રી કોલેજમાં BAની વિદ્યાર્થીની હતી. તેના પિતા નૈન સિંહ ઈન્ટર કોલેજમાં ચોથા ધોરણના કર્મચારી છે.

error: Content is protected !!