શિક્ષિકા હોય તો આવા, સ્કૂલે ન આવી શકતા બાળકોને વાલીઓ કહે તે સમયે આપે છે ઓનલાઈન શિક્ષણ

અમદાવાદ: કોરોનાને કારણે અનેક વાલી બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે સ્કૂલે મોકલતા નથી જેના કારણે બાળકોને ઓનલાઇન શિક્ષણમાં ભણવું પડે છે અને તે પણ સ્કૂલના સમયે જ ભણવું પડે છે ત્યારે અમદાવાદના જ એક ખાનગી નહીં પરંતુ સરકારી સ્કૂલના શિક્ષિકા પોતાના કે સ્કૂલના સમયે નહીં પરંતુ બાળકો અને વાલીઓના સમયે પોતાના ઘરેથી ઓનલાઇન અભ્યાસ એકદમ અલગ રીતે કરાવે છે.

શિક્ષિકા ધોરણ 1-2ના બાળકોને ભણાવે છે
સામાન્ય રીતે કોઈ પણ કર્મચારી અને તેમાં ખાસ સરકારી કર્મચારી પોતાના નોકરીના સમય પૂરતું કામ કરે છે અને વેતન મેળવે છે પરંતુ અમદાવાદના મ્યુનિસિપલ સ્કૂલના એક શિક્ષિકા પોતાના નોકરીના સમય દરમિયાન તો બાળકોને જ ભણાવે જ છે પરંતુ ઘરે ગયા બાદ પણ અલગ અલગ તબક્કામાં બાળકોને ભણાવે છે અને બધા બાળકોને ભણાવાના સંતોષ સાથે ઊંઘી શકે છે. અમદાવાદની ઈન્દિરાપુરી સ્કૂલના ધોરણ 1થી 7ના આચાર્ય અને ધોરણ 1 અને 2માં ગુજરાતી વિષય ભણાવતા શિક્ષિકા ફાલ્ગુનીબેન રાઠોડ સવારે 7:30 વાગ્યાથી 12:30 સુધી સ્કુલમાં બાળકોને ભણાવે છે જે બાદ જે બાળકો સ્કૂલમાં ના આવ્યાં હોય તેમના વાલીનો સંપર્ક કરીને શા માટે સ્કૂલે ના આવ્યા તે કારણ જાણે છે.

બાળકોનું ભણતર ન બગડે તે માટે તેમના સમયે ભણાવે છે
કોરોનાને કારણે અનેક વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતા અચકાય છે ત્યારે સ્કૂલમાં હાજર બાળકોને તો ફાલ્ગુની બેન ભણાવે જ છે પરંતુ સ્કૂલમાં હાજર ન રહેનાર બાળકોને ઓનલાઇન ભણાવે છે. સ્કૂલના સમય દરમિયાન હાજર રહેતા બાળકોને ઓનલાઇન ભણાવે છે પરંતુ અનેક વાલી એવા હોય છે જેમની પરિસ્થિતિ ને કારણે ઘરમાં એક જ સ્માર્ટ ફોન હોય અને તે વાલી નોકરી કે કામથી બહાર રહેતા હોય ત્યારે તેવા વાલીઓનો પણ સંપર્ક કરીને ફાલ્ગુનીબેન તેમનો સમય મેળવી લે છે.

સતત બે વર્ષથી વાલીઓના સમયે બાળકોને ભણાવે છે
અત્યાર સુધીના વાલીઓ પાસેથી બપોરે 2 વાગે વાલી ઘરે જમવા કે નોકરી પુરી કરીને આવે તે સમય અને રાતે 8 વાગે નોકરીથી પરત ફરે તેવા 2 સમય નક્કી કર્યા છે અને આ 2 સમય દરમિયાન ફાલ્ગુનીબેન ધોરણ 1 અને 2ના 49 વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવે છે.પોતાના નોકરી બાદના સમયમાં પણ સ્વેચ્છાએ બાળકો માટે 2 વર્ષથી સમય કાઢીને સતત આ રીતે ફાલ્ગુની બેન ભણાવી રહ્યા છે.

કેવી રીતે આપે છે બાળકોને ઓનલાઈન શિક્ષણ?
ધોરણ 1 અને 2ના બાળકોને ઓનલાઇન ભણાવવામાં આવે તો તે વન વે જેવું થઈ જાય છે કારણકે બાળકો નાના હોવાથી ઝડપથી ઓનલાઇન અભ્યાસમાં સમજી શકતા નથી. જેથી ફાલ્ગુનીબેન બાળકો માટે TLM પદ્ધતિનો ઉપયોગ કરે છે.TLM એટલે ટીચિંગ લર્નિંગ મટીરીયલ. ભણવા માટે જ્યારે સમજ ન પડે તેવા વિષયો હોય ત્યારે ભણવામાં આવતા વિષયોનું મટીરીયલ તેમને સ્વાખર્ચે વસાવ્યું છે.જેમાં પ્રાણીઓ ના માસ્ક,ચાટ, થાળી વાટકી, કેટલાક શબ્દોના કાર્ડ સહિતની અનેક વસ્તુઓ તેવો ઓનલાઇન ક્લાસમાં વીડિયો દ્વારા બતાવે છે અને ભણાવે છે.​​​​​​​​​​​​​​

કોરોના પહેલા 24 કલાક બાળકોને ભણાવતા હતા
કોરોના અગાઉ પણ જ્યારે કેટલાક વાલી ઓછું ભણેલા હોય અથવા અભણ હોય અને બાળકોને ગૃહકાર્ય આપવામાં આવ્યું હોય તે બાળકો ના કરી શકે વાલી પણ ના કરાવી શકે ત્યારે વોટ્સઅપ કોલ કરીને વાલીને સમજવતા હતા જે બાદ વાલી ગૃહકાર્ય કરાવતા હતા.એટલે કે કોરોનામાં સ્થિતિને કારણે અને કોરોના પહેલા પણ સામાન્ય સ્થિતિમાં તેઓ 24 કલાક બાળકો અને વાલીઓને અભ્યાસ માટે આપતા હતા.આ ઉપરાંત તેઓ કોઈ સામાજિક કામ કે બીમારીના કારણે ભણાવી ના શકે ત્યારે તેમના પતિ ચેતનકુમાર અને તેમનો દિકરો જે MBBS નો અભ્યાસ કરી રહ્યો છે તે બાળકોને ભણાવે છે.​​​​​​​

બાળકોને ભણાવું ત્યારે મને રાતે સારી ઊંઘ આવે છે: શિક્ષિકા
ફાલ્ગુની બેને જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારથી મને શિક્ષક બનાવાનો શોખ હતો. 1998માં હું શિક્ષક તરીકે જોડાઈ હતી.ત્યારથી અત્યાર સુધી હું શિક્ષણ આપી રહી છું. મારી સ્કૂલના બાળકો જે સ્કૂલે આવે તેમને ભણવું છું પરંતુ જે નથી આવી શકતા તેમને ના ભણવું તો મને ચેન નથી પડતું જેથી તેમની અનુકૂળતાના સમયે હું તેમને ભણવું છું.તમામ બાળકોને ભણાવું ત્યારે મને રાતે ઊંઘ સારી રીતે આવે છે અને મેં મારી ફરજ પુરી કર્યાનો અહેસાસ થાય છે..મારી સાથે મારા પતિ દીકરાનો પૂરો સહકાર છે તેઓ પણ ક્યારેક મારી જવાબદારી સંભાળી લેતા હોય છે.

શિક્ષકા પૈસા માટે નહીં મનના સંતોષ માટે બાળકોને ભણાવે છે
ફાલ્ગુનીબેન એક ઉત્તમ ઉદાહરણ છે કે, સરકારી સ્કૂલોમાં પણ સારું શિક્ષણ આપવામાં આવે છે અને બીજા એવા શિક્ષકો માટે કે જે ખાનગી સ્કૂલમાં હજારો લાખો રૂપિયા ફી લઈને પણ પૂરું ભણાવતા નથી અને બાદમાં ટ્યુશન દ્વારા બાળકોને ભણાવી કમાણી કરે છે. ફાલ્ગુની કોઈ પૈસાની લાલચે નહીં પરંતુ પોતાના મનના સંતોષ માટે બાળકોને ભણાવી મનને શાંતિ આપે છે.

error: Content is protected !!