લગ્નની પહેલી એનિવર્સરીના ચોથા દિવસે જ યુવકે જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને પરિવાર સ્તબ્ધ
સુરતમાં એક રતનકલાકારે લગ્નની પ્રથમ એનિવર્સરીના ચોથા દિવસે જ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. પરિવારની જાણ બહાર લીધેલી બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા કડક ઉઘરાણીને લઈ મેહુલ દેવગણિયા નામના યુવકે માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે ઘટના બાદ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે, મેહુલ દેવરાજ દેવગણિયા (ઉ.વ. 27) નિલકંઠ સોસાયટી કતારગામનો રહેવાસી હતો. જ્યાં તે માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે રહેતો હતો. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરી આખા પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. જોકે ઘરના કમાઉ સદસ્યના મોતા બાદ પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે.
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, મેહુલ પાસે બેન્ક વાળા 10 દિવસથી ઉઘરાણી કરતા હતા. જોકે કેટલાની લોન હતી એ બાબતે કશી જ ખબર ન હતી. મેહુલે જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયા બાદ મિત્રની નજર ચૂકવી ઝેરી દવા પી લીધી હતી.
જોકે દુર્ગંધ આવતા મિત્ર એ દબાણથી પૂછતા, મેહુલે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જઈને પરિવારને જાણ કરાઈ હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને ટૂંકી સારવાર બાદ મેહુલનું મોત નીપજ્યું હતું.