હ્રદયદ્રાવક ઘટનાઃ 12 વર્ષ બાદ ઘરે ગુંજી હતી કિલકારીઓ, સવારે જોવા મળ્યો કાળજાના કટકાનો મૃતદેહ

ભોપાલઃ ભોપાલના હમીદિયા કેમ્પસની કમલા નેહરુ હોસ્પિટલમાં લાગેલી આગે ઇરફાનાના બાળકને છીનવી લીધું છે. લગ્નના 12 વર્ષ બાદ ગત 2 નવેમ્બરે તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, માટે તેને અહીં દાખલ કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે 9 વાગે આગ લાગ્યા બાદ પરિવારને અંદર જવા દેવામાં આવ્યો નહતો. બહાર ઊભા રહીને તેઓ બૂમી પાડતા રહ્યા હતા.

જ્યારે સવારે ચાર વાગે બહારનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ચાર બાળકોના મૃતદેહ બતાવ્યા હતા. એમાંથી એક બાળક ઇરફાનાનું હતું. પોતાના કાળજાના કટકાને આ સ્થિતિમાં જોઈને તે પોતાના હોશ ખોઈ બેઠી હતી. તે હોસ્પિટલની બહાર બેસીને રડતી રહી. ત્યાર બાદ પરિવારજનો તેને હોસ્પિટલથી લઈ જઈને તેના પિયર ગૌતમનગર લઈને આવ્યા હતા.

DIG બંગલાની પાસે ગૌતમનગર (ભોપાલ)ની રહેવાસી ઇરફાના (29)ના લગ્ન 12 વર્ષ પહેલાં નસરુલ્લાગંજના રહેવાસી બૂટ-ચંપલના વેપારી રઈસ ખાન સાથે થયા હતા. ઇરફાનાની બહેન ફરઝાનાએ જણાવ્યું હતું કે 2 નવેમ્બરના રોજ ઇરફાનાની નોર્મલ ડિલિવરી થઈ હતી. બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાને કારણે તેને કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે જ્યારે આગ લાગી તો ઇરફાનાને હોસ્પિટલમાંથી બહાર કરી દેવામાં આવી હતી. સવારે 4 વાગે બાળકના મોતની જાણ કરવામાં આવી હતી.

ઇરફાનાની બહેનના જણાવ્યા મુજબ, બાળકને જન્મ આપ્યા બાદ આમ તો ઇરફાનાની હાલત ઠીક ન હતી. તે આગ લાગ્યા બાદ નેહરુ હોસ્પિટલની બહાર જ બેઠી રહી હતી. વારંવાર તે પોતાનાં પરિવારજનોને કહેતી રહી હતી કે મને મારું બાળક બતાવો. પરિવારજનો દિલાસો આપતા રહ્યા હતા કે બાળક ઠીક છે. બાદમાં અનેક કલાકો રાહ જોયા બાદ જ્યારે ઇરફાનાને બાળકનો મૃતદેહ બતાવવામાં આવ્યો હતો ત્યારે તે શોકમાં ગરકાવ થઈને બૂમો પાડતાં ચોધાર આંસુએ રહી રહી હતી.

error: Content is protected !!