માતાજીની આઠમ ભરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ ત્રણના કમકમાટીભર્યા મોત

આજે બુધવારે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલા પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની સાથે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. હળવદ હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

error: Content is protected !!