કીડનેપ થતાં થતાં બચી ગયેલી યુવતીએ જણાવી આપવીતી, કહ્યું-‘ભલે હાડકાં ભાંગે પણ બચવું જરૂરી હતું,

પાટનગર દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી એક યુવતીએ જણાવ્યું કે કેવી રીતે એક રિક્ષા ચાલકે તેને કિડનેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે કેવી રીતે બચી. આ સમગ્ર ઘટના યુવતીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. યુવતીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, કેવી રીતે તેને પોતાનો જીવ બચાવવા માટે ચાલુ રિક્ષાએ કુદવું પડ્યું હતું.

યુવતીની ટ્વિટ પ્રમાણે, આ ઘટના ગુડગાવના સેક્ટર 22માં થઈ હતી. જે તેના ઘરથી માત્ર સાત મીનિટના અંતરે જ છે. યુવતીએ જણાવ્યું કે, મુસાફરી દરમિયાન ઓટોરિક્ષા ડ્રાઈવરે જાણીજોઈને ખોટા અને સૂમસાન રસ્તા પર ટર્ન લઈ લીધો હતો. યુવતીએ તેનો વિરોધ પણ કર્યો પરંતુ રિક્ષા ચાલકે કોઈ જવાબ ના આપ્યો અને રિક્ષા ચલાવતો જ રહ્યો.

યુવતીએ ટ્વિટ કરીને જણાવી આપવીતી
યુવતીએ ટ્વિટ કર્યું કે રવિવારનો દિવસ મારી જિંદગીના સૌથી ખરાબ દિવસોમાંનો એક હતો. કેમકે તે રિક્ષા ચાલકે મને લગભગ કિડનેપ જ કરી લીધી હતી. હું નથી જાણતી કે તે શું હતું, પરંતુ ગઈકાલે જે કાંઈ પણ થયુ તેને યાદ કરીને મારા રુંવાટા ઉભા થઈ જાય છે. બપોરે લગભગ 12:30 વાગે મેં ઘરે જવા માટે સેક્ટર 22ના માર્કેટથી એક રિક્ષા કરી, જે મારા ઘરથી લગભગ સાત મિનિટના અંતરે છે.

ઘર જમણી બાજૂ હતું પણ ડ્રાઈવર રિક્ષા ડાબી બાજૂ લઈ ગયો
યુવતીએ આગળ લખ્યું મેં ઓટોરિક્ષા ડ્રાઈવરને કહ્યું કે હું તેને પેટીએમથી પેમેન્ટ કરીશ, કારણ કે મારા પાસે રોકડા રુપિયા નથી. પેમેન્ટ બાબતે સ્પષ્ટતા કર્યા બાદ હું ઓટોમાં બેસી ગઈ. એક ટર્ન પર પહોંચ્યા બાદ જ્યાં મારા ઘર તરફ જવા માટે જમણી બાજુ વળવાનું હતું ત્યાં ડ્રાઈવરે રિક્ષા ડાબી બાજુ જવા દીધી. મેં ડ્રાઈવરને કહ્યું કે તમે ખોટી દિશા તરફ જઈ રહ્યા છો તેમ છતા તેણે મારી કોઈ વાત ન સાંભળી અને રિક્ષાવાળો જોર-જોરથી તેના ભગવાન (હું ધર્મનો ઉલ્લેખ કરવા નથી માગતી કારણ કે આ બાબત કોઈ ધર્મ સાથે જોડાયેલ નથી)નું નામ લેવા લાગ્યો.

બહાર કૂદ્યા સિવાય મારા પાસે કોઈ વિકલ્પ નહોતો
યુવતીએ આગળ કહ્યું હું એકદમથી બૂમો પાડવા લાગી કે મારું ઘર જમણી બાજૂ હતું, તમે ઓટો ડાબી તરફ કેમ લઈ રહ્યા છો. ડ્રાઈવરે જવાબમાં ના પાડી અને તે ખૂબ જ ઉંચા અવાજે ભગવાનનું નામ લેતો રહ્યો. મેં તેના ખભે 8-10 વખત માર્યું તેમ છતાં તેને કોઈ જ ફરક ન પડ્યો. તેવામાં મારી પાસેં બહાર કૂદ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મેં વિચાર્યું કે ગુમ થવા કરતાં હાડકાં તૂટે તે વધુ સારું રહેશે અને મેં ચાલતી ઓટોમાંથી કૂદકો માર્યો. હું નથી જાણતી કે આટલી હિંમત મારામાં ક્યાંથી આવી ગઈ પણ મારા માટે આ જરૂરી હતું.

ઓટોરિક્ષા ડ્રાઈવરની શોધખોળ ચાલુ
આ સમગ્ર મામલે પાલમ વિહારના પોલીસ અધિકારી જિતેન્દ્ર યાદવે કહ્યું કે તેઓ ઓટોરિક્ષા ડ્રાઈવરને ટૂંક સમયમાં શોધી લેશે. યુવતીએ જણાવ્યું કે તે સમયે ઓટોરિક્ષા નંબર નોટ ન કરી શકી પરંતુ પોલીસ તે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચશે.

error: Content is protected !!