બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતને જીત અપાવનાર ખેલાડી ખેતમજૂરી અને કડીયાકામ કરવા મજબૂર
નવસારીઃ દેશમાં જ્યારે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે ત્યારે સૌ કોઈ દેશવાસીઓ ગર્વ અનુભવતા હોય છે. પરંતુ, સમય જતા જ આ પૈકીના કેટલાક ખેલાડીઓ ચર્ચામાંથી ખોવાઈ જતા હોય છે. નવસારી જિલ્લાનો આવો જ એક દિવ્યાંગ ખેલાડી છે કે જેને 2018માં બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી ભારતને જીત અપાવવામા મહત્વનું યોગદાન આપ્યું હતું.
તે ખેલાડી આજે મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર છે. જે ખેલાડીના હાથમાં બેટ અને બોલ હોવા જોઈએ તેના બદલે સિમેન્ટની બેગ અને ખેત ઓજારો જોવા મળી રહ્યા છે. 2018માં ભારતને વર્લ્ડકપ અપાવ્યા બાદ આ ખેલાડીને આજદિન સુધી મળ્યા તો ફક્ત આશ્વાસન જ મળ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામનો ખેલાડી નરેશ તુમડા બ્લાઈન્ડ ક્રિકેટર છે. વર્ષ 2018માં દુબઈમાં યોજાયેલા બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ફાઈનલમાં પાકિસ્તાનને હાર આપી હતી અને ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો. નરેશ ભારત તરફથી ચાર નેશનલ અને ત્રણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે પોતાની કારકિર્દી દરમિયાન 30 ટ્રોફી, 30 પ્રમાણપત્ર અને 10 મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે.
નરેશ તુંમડાએ પોતાની આંખ ગુમાવ્યા બાદ પણ પોતાના ક્રિકેટના શોખને જીવંત રાખ્યો છે, ખેલ મહાકુંભથી બેઠો થયેલો અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં કાઠુ કાઢનાર નરેશ તુમડા ગરીબી અને પેટનો ખાડો પુરવા ઝઝૂમી રહ્યો છે.નરેશ પાસે આજે નથી નિશ્ચિત રોજગારી નથી, તે હાલ નાના એવા ગામમાં એક કાચા મકાનમાં વસવાટ કરે છે.
2018માં બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનને ધૂળ ચટાવનાર ટીમના સભ્ય નરેશ તુમડાએ જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી શુભેચ્છા મેળવી હતી. નરેશ તુમડાનું માનીએ તો, તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ થી લઈને વિજય રૂપાણી, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી સહિત તમામ મોટા ગજાના નેતાઓને સરકારી નોકરી મળે તે માટે રજૂઆત કરી ચૂક્યો છે. પરંતુ, આજદિન સુધી કોઈ પ્રત્યુતર મળ્યો નથી.