માતા સાથે આડાસંબંધનો વહેમ રાખી સગીરે પિતરાઇને કુહાડીના ઘા ઝીંકી ઉતારી દીધો મોતને ઘાટ

બાયડઃ બાયડના પૂજાપુરમાં ગત ગુરુવારની રાત્રિના સુમારે ગામના 15 વર્ષના કિશોરની હત્યા થતાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે ત્રણ જ દિવસમાં કિશોરની હત્યાનો ભેદ ઉકેલી નાખતાં કિશોરની હત્યા કરનાર તેનો કૌટુંબિક સગીર ભાઇ હોવાનું બહાર આવ્યું છે. જેમાં હત્યારાએ માતા સાથે મૃતકના આડાસંબંધનો વહેમ રાખી કુહાડીના ઘા મારી કિશોરને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની તપાસમાં બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે બાયડ પોલીસ મથકથી મળેલી વિગતો અનુસાર ગત ગુરુવારની રાત્રે બાયડના પૂજાપુરનો 15 વર્ષીય સચિન પ્રવિણભાઈ પગી ઘરે જમવા બેઠો હતો. દરમિયાન તેના મોબાઇલ પર ફોન આવતાં બહાર ગયો હતો. દરમિયાન મોડે સુધી પરત ન ફરતાં સમગ્ર પરિવાર ભારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડેથી ઘરની પાછળથી લોહીલુહાણ હાલતમાં સચિનનો મૃતદેહ મળી આવતાં આ ચકચારીભર્યા પ્રકરણમાં બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે છેલ્લા કેટલાક કલાકોથી પૂછપરછનો દોર શરૂ કર્યો હતો.

જેમાં પોલીસને મૃતક સચિનના કૌટુંબિક કિશોર ઉપર શંકાઓ જતાં વધુ કડકાઈથી પૂછતાં સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉંચકાઈ ગયો હતો અને મૃતક સચિનને તેના કૌટુંબિક ભાઇની માતા સાથે આડાસંબંધ હોવાનો વહેમ હોવાને લઇ સચિનની કુહાડીથી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ધો.11 માં ભણતા સચિનના કૌટુંબીકભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

error: Content is protected !!