મહેસાણાના ભરવાડ બંધુએ રાષ્ટ્રીય કક્ષાની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા, મિલ્ખાસિંહ તરીકે ઓળખાતા ASI ભાનુભાઈ ભરવાડના પુત્રોની સફળતા
મહેસાણાઃ ગોવા ખાતેની નેશનલ એથ્લેટિક્સ ગેમ્સ અંતર્ગત દોડમાં મહેસાણા પોલીસના એએસઆઈ ભાનુભાઈ ભરવાડના પુત્ર મેહુલ અને વિરાજે ગોલ્ડ મેડલ મેળવીને મહેસાણાનું ગૌરવ વધાર્યુ છે. મહેસાણાના મિલ્ખાસિંહ તરીકે ઓળખાતા ભાનુભાઈ ભરવાડના દીકરા મેહુલ અને વિરાજે ગોવા ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિકસ ગેમ્સ અંતર્ગત 4X100 મીટર રિલે દોડમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતી મહેસાણા પોલીસ અને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ભરવાડ બંધુઓએ ગોલ્ડ મેડલ મેળવતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મેહુલ ભરવાડે અગાઉ રાજકોટની સ્પર્ધામાં સિલ્વર અને જામનગરની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મેહુલ ભરવાડે નેપાળના પોખરાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 4X100 મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભાનુભાઈ ભરવાડે દોડમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી પોલીસનું ગૌરવ વધાર્યુ હતુ.