રબારી સમાજમાં બાળકોને મંદિરમાં અર્પણ કરવાની 650 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

સુરેન્દ્રનગરઃ ધર્મની દ્રષ્ટિએ જ્યાં વિજ્ઞાનની શક્તિ પૂર્ણ થાય છે ત્યાં શ્રદ્ધા કામ કરી જાય છે એટલેજ શ્રધ્ધાને સર્વોપરી માનવામાં આવે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે સુરેન્દ્રનગર જિલ્લાનું દુધઈ રબારી સમાજનું મંદિર. જ્યાં આજે પણ સંતાન પ્રાપ્તિ માટે સમાજના લોકો વિજ્ઞાનથી પણ વધુ શ્રદ્ધા ધર્મમાં રાખે છે. જેના પ્રતાપે પુત્ર પ્રાપ્તીની માનતા પૂર્ણ થતાં પોતાના વ્હાલસોયા દીકરાને મંદિરમાં અર્પણ કરી આપે છે. આ પરંપરા 650 વર્ષથી આજે પણ રબારી સમાજમાં અવિરત રહેવા પામી છે.

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામમાં આવેલા શ્રી વડવાળા દેવના મંદિર ખાતે પશુ ઉછેર સાથે સંકળાયેલા રબારી સમાજના લોકો સંતાન પ્રાપ્તિ થયા બાદ પોતાની માનતા પુત્રને અર્પણ કરીને ઉતારે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પરંપરા ઉજાગર થતી રહે છે અને વર્ષે બે ત્રણ બાળકો વડવાળા મંદિરે અર્પણ કરવામાં આવતા હોવાનું રબારી સમાજના ગુરુ રામ બાલકદાસ બાપુએ જણાવ્યું હતું.

ગુરુ પૂનમના પ્રવિત્ર દિવસે હિન્દૂ સમાજના લોકો પોત પોતાના ગુરુદેવોને અને તેમના સ્થાનકે શીશ ઝુકાવી યથા શક્તિ ગુરુ દક્ષિણ અર્પણ કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા રહ્યા છે. જ્યારે રબારી સમાજમાં આ દિવસે સંતાન પ્રાપ્તિની ઝંખના રાખતા માતા પિતા ગુરુ દક્ષિણાના રૂપમાં પોતાના પુત્રને ગુરુના ચરણોમાં અર્પિત કરે છે. રાપર તાલુકાના કીડીયાનગર ગામના માલધારી જોગાભાઈ સોમાભાઈ રબારીએ પણ તેમના બીજા પુત્રને ગુરુ પૂજનના દિવસે ધાર્મિક વિધિ સાથે ગુરુને સોંપી આપ્યો હતો.

શુ કહેવું છે રબારી સમાજના ગુરુ રામ બાલકદાસ બાપુનું?આ વિશે રબારી સમાજના ગુરુ રામ બાલકદાસ બાપુને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અંદાજિત 650 વર્ષ જૂની પરંપરા મુજબ ગુરુ પૂનમના દિવસે પુત્ર પ્રાપ્તિ બાદ ઇષ્ટદેવના ચરણે પરિવાર દ્વારા બાળકની અર્પણ વિધિ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ અને દુધરેજ ગામ ખાતે આવેલા રબારી સમાજના શ્રી વડવાળા દેવના મોટા મંદિરે આ ધાર્મિક વિધિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

આજની વાત કરવામાં આવે તો રાપરના કીડીયાનગર ગામના માલધારી ગોગાભાઈને 16 વર્ષ બાદ પુત્રની પ્રાપ્તિ થઈ હતી. સંતાન પ્રાપ્તિ માટે તેમણે રાજ્યના વિવિધ સ્થળે ઉપચાર કરાવ્યો હતો અનેક તબીબોના તારણ મુજબ સંતાન થવું અશક્ય હતું પરંતુ આ પરિવાર દ્વારા શ્રી વડવાળા દેવની માનતા લેવામાં આવી હતી જે પરિપૂર્ણ થતા તેમણે પુત્રને મંદિરમાં અર્પિત કર્યો હતો.

અમારા સ્થાનકે આવનાર બાળકની પુરા ધાર્મિક વાતાવરણ સાથે યોગ્ય પરવરીશ થાય છે. બાળકના રસ રુચિ મુજબ તેના અભ્યાસની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જેમાં અનેક બાળકો મોટા થઈને ડોકટર, વકીલ, જજ અને બિઝનેસમેન પણ બન્યા છે. તેમને 21 વર્ષ સુધી સંસ્થા દ્વારા તેના મન ગમતા વિષયનું શિક્ષણ આપવામાં આવે છે. જે 21 વર્ષની પુખ્તવયે પહોંચતા આગળ સન્યાસી બનવું છે કે સંસારી એ નિર્ણય તે જાતેજ નક્કી કરે છે.

error: Content is protected !!