મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો થરાદ-ધાનેરા હાઇવે, ભયંકર અકસ્માતમાં 5નાં કમકમાટીભર્યાં મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોનાં મોત થયાંના પ્રાથમિક અહેવાલ છે, જ્યારે 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને 3 ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો અનુસાર ટ્રેક્ટરની પાછળ અલ્ટો કાર આવતી હતી. જેમાં ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ચાલક ઓવરટેક મારવા જતાં ટ્રેકટર સાથે અથડાઈ હતી. જેમાં 5 લોકોનાં મોત થયા હતા.
મૃતકોમાં 2 બાળકો અને 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને બાદમાં આસ્થા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે,
જેમાં થરાદ-ધાનેરા હાઈવે પર જોરપુરા પાટિયા નજીક અલ્ટો કાર અને ટેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાતાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ ધાનેરા પોલીસને થતાં 108 તેમજ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.