મોટો ધડાકોઃ પતિએ જ કરી હતી પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા, પોલીસે આ રીતે ખોલી નાંખી પોલ
આણંદ: બોરસદના પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે નામના ધરાવતા ખમણના વેપારી એવા ઠક્કર પરિવારની પુત્રવધુના શંકાસ્પદ મોતના આખરે પોલીસે ત્રણ દિવસ બાદ પતિ સહિત સાત સાસરિયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ફક્ત રસોઇ બનાવતા આવડતી ન હોવાના મ્હેંણા ટોણાથી અપમાનિત કરી છેલ્લા દસ વર્ષથી ત્રાસ ભોગવતી પરિણીતાની પતિએ જ ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. આ અંગે પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લશકાણા ખાતે રહેતા અને માર્કેટીંગનો વ્યવસાય કરતાં ધવલભાઈ બટુકભાઈ ગંગદેવ (લોહાણા)ના બહેન રોશાબહેન ઉર્ફે નિશાબહેન (ઉ.વ.35)ના લગ્ન પંદરેક વર્ષ પહેલા સાવરકુંડલાના રહેવાસી અમિત પ્રવિણભાઈ ઠક્કર સાથે થયાં હતાં. અમિત ઠક્કર બોરસદ ખાતે ખમણનો વેપાર ધંધો કરતા હતો.
તે વહેરા લેગ્સી ગાર્ડન સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતો હતો. જોકે, સાસરીમાં આવ્યા બાદ સાસરિયાઓ સતત રોશાબહેનને રસોઇ બનાવતા આવડતું નથી અને તારી મમ્મીની જેમ તું પણ ગાંડી થઇ જા. એટલે અમને તારાથી મુક્તી મળે, તેવું કહી હેરાન પરેશાન કરતાં હતાં.
આ ત્રાસથી કંટાળી રોશાબહેન પિયર આવી જતાં હતાં, પરંતુ તેને સમજાવી પરત સાસરિમાં મોકલી આપતાં હતાં. દરમિયાનમાં 18મી જાન્યુઆરી, 22ના રોજ સવારના દસેક વાગે ધવલભાઈને જાણ કરી કે, તમારી બહેન રોશાબહેન ઉર્ફે નિશાબહેન સવારના બાથરૂમમાં ન્હાવા માટે ગયા તે સમયે પડી જતા માથામાં વાગ્યું છે અને ગંભીર છે. જેથી વહેલા આવી જાવા જણાવ્યું હતું.
બહેનની ચિંતામાં ધવલભાઈ સુરતથી તુરંત બોરસદ આવવા નિકળ્યાં હતાં. જોકે, તેઓને રોશાબહેનના મોતને લઇ શંકા ઉઠતાં તુરંત આણંદ કંટ્રોલમાં જાણ કરી હતી. તેઓ વહેરા લેગ્સી ગાર્ડન સોસાયટીમાં પહોંચ્યા તે સમયે રોશાબહેનને પ્રથમ રૂમમાં સુવડાવેલા હતા અને તેઓ મૃત્યુ પામ્યાં હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ રિપોર્ટમાં રોશાબહેનનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવતાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.
આખરે આ અંગે ધવલભાઈની ફરિયાદ આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે પતિ અમિત પ્રવિણ ઠક્કર, સસરા પ્રવિણ મગનલાલ ઠક્કર, ગીતાબહેન ઠક્કર, વિજય મગન ઠક્કર, ચંદનબહેન વિજય ઠક્કર, મનોજ વિજય ઠક્કર, ભક્તિ ઉર્ફે પુંજાબહેન મનોજ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે