ગુજ્જુ બોય અક્ષર પટેલે બર્થ ડેના દિવસે જ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ કેવી લાગે છે બંન્નેની જોડી

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી છે. તેણે પોતાની બર્થ ડેને ખાસ બનાવીને ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી છે. અક્ષરે આ અંગે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને માહિતગાર કર્યા છે. અક્ષરે મેહાની સાથેના ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ગુજરાતના આણંદમાં 20 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલા અક્ષર પટેલે તેના જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવ્યો છે. તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી છે. અક્ષરે ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો છે. આ ખાસ પ્રસંગમાં અક્ષર અને મેહાના પરિવારના લોકોની સાથે-સાથે કેટલાક નજીકના સંબંધીઓ પણ હાજર રહ્યા હતા.

અક્ષરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવાની સાથે લખ્યું કે જિંદગીની આ નવી શરૂઆત છે. હંમેશાં માટે એકસાથે. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલે ભારત ક્રિકેટ ટીમ માટે 38 જેટલી વન-ડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે 45 વિકેટ લીધી છે. અક્ષરે 5 ટેસ્ટ મેચમાં 36 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 15 T-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, એમાં તેણે 13 વિકેટ લીધી છે.

અક્ષરના IPL કરિયર પર એક નજર કરવામાં આવે તો એ પણ ખૂબ જ પ્રભાવી રહ્યું છે. તે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ માટે ઘણા પ્રસંગે શાનદાર દેખાવ કરી ચૂક્યો છે. અક્ષરે 109 IPL મેચમાં અત્યારસુધીમાં 95 વિકેટ લીધી છે.

ઓલરાઉન્ડર અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર સગાઈના ફોટા મૂકતાં જ ફેન્સે તેમને અભિનંદન આપ્યાં છે. એક યુઝરે અભિનંદન આપતાં લખ્યું છે કે બાપુ અભિનંદન. બાકી તમારી બોલિંગ પણ કમાલ છે. દિલ્હી કેપિટલ્સે પણ આ ખાસ પ્રસંગે અક્ષર અને મેહાને અભિનંદન આપ્યાં છે.

દિલ્હી કેપિટલ્સે અભિનંદન આપતાં લખ્યું છે કે અક્ષર અને મેહા તમને અભિનંદન. જ્યારે બોલર આર. પી. સિંહે પણ ટ્વીટ કરીને અક્ષર પટેલને ટ્વીટ કરીને અભિનંદન આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સમાંથી જ IPL રમે છે.

error: Content is protected !!