‘તારક મહેતા..’ના ‘જેઠાલાલ’ ની દીકરીના આજે લગ્ન, જુઓ કંકોત્રીની પહેલી ઝલક

મુંબઈ: કિરણ જૈન-અમિત કર્ણઃ હાલમાં કેટરીના કૈફ-વિકી કૌશલ, અંકિતા લોખંડે-વિકી જૈનના લગ્નની ચર્ચા છે. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્નની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. પહેલાં એવી વાત સામે આવી હતી કે નિયતિના લગ્ન 11 ડિસેમ્બરના રોજ છે. જોકે મળેલી માહિતી પ્રમાણે, 11 ડિસેમ્બરે લગ્ન નહીં, પરંતુ રિસેપ્શન છે. આટલું જ નહીં, છોકરાનું નામ યશોવર્ધન મિશ્રા છે. નિયતિ તથા યશોવર્ધનના લગ્ન 8 ડિસેમ્બરે યોજાશે.

નાશિકમાં લગ્ન યોજાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિયતિ તથા યશોવર્ધનના લગ્ન નાશિકમાં 8 ડિસેમ્બરે યોજાશે. નિયતિ તથા યશોવર્ધન છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને પસંદ કરતાં હતાં, બંને એક જ કોલેજમાં ભણ્યાં છે. બંનેના પરિવારને આ સંબંધો અંગે પહેલેથી જ જાણ હતી.

જોકે લૉકડાઉનને કારણે લગ્ન પોસ્ટપોન થયા હતા. સ્થિતિ જ્યારે કંટ્રોલમાં આવી ત્યારે બંને પરિવારે શુભ મુહૂર્ત કાઢ્યું હતું. પરિવાર 9 ડિસેમ્બરે મુંબઈ પરત ફરશે અને પછી 11મીએ રિસેપ્શન આપશે.

શા માટે નાશિક પસંદ કરવામાં આવ્યું?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પરિવારે પહેલાં મહાબળેશ્વર, લોનાવલા, કરજત જેવાં સ્થળો પણ લગ્ન માટે જોયાં હતાં. જોકે અંતે લગ્ન નાશિકની હોટલમાં કરવાનો નિર્ણય થયો હતો.

અશોક મિશ્રાના નજીકના સંબંધીઓ નાશિકમાં રહેતા હોવાથી અહીં જ લગ્ન કરવાનું નક્કી થયું હતું. કોરોનાને કારણે લગ્નમાં માત્ર પરિવાર તથા નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. બંને પરિવાર હાલમાં નાશિકમાં જ છે.

કોણ છે યશોવર્ધન મિશ્રા?
યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રાએ શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં.

લગ્ન 8 ડિસેમ્બરે અને રિસેપ્શન 11 ડિસેમ્બરે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરે યશોવર્ધન મિશ્રા સાથે યોજાશે. આ શનિવાર એટલે કે 11 ડિસેમ્બરે મુંબઈની તાજ લેન્ડ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે.

યશોવર્ધન ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલો નથી
વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલો નથી. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં નિયતિ જોષીએ ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

‘તારક મહેતા..’ની સ્ટાર-કાસ્ટ આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિસેપ્શનમાં ‘તારક મહેતા…’ના તમામ કલાકારો તથા ક્રૂ-મેમ્બર્સ રિસેપ્શનમાં હાજર રહેવાના છે. જોકે સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી રિસેપ્શનમાં આવવાની નથી.

error: Content is protected !!