સૂર્યકુમાર યાદવે ખરીદી પાવરફૂલ ‘જોંગા’ કાર, લખ્યું – ‘મારા નવા રમકડાને હેલ્લો કહો, જેનું નામ છે હલ્ક’

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ સૂર્યકુમાર યાદવને પણ વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે પહેલા પણ ઘણી કાર હતી. હવે તાજેતરમાં તેમના ગેરેજમાં વધુ એક ખાસ વાહન ઉમેરાયું છે. સૂર્યકુમાર યાદવે આ કારને હલ્ક (HULK) નામ આપ્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી SUVની તસવીરો શેર કરી છે.

તસવીરો શેર કરતાં સૂર્યકુમારે લખ્યું, “મારા નવા રમકડાને હેલો કહો. તેનું નામ હલ્ક છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બનેલા સૂર્યકુમારની પોસ્ટ પર ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓએ કોમેન્ટ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ કમેન્ટ્સ કરવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું, ‘વન ફેમિલીમાં એક ‘અવિશ્વસનીય’ ઉમેરો.’ ચેતન સાકરિયાએ લખ્યું, ‘શું આ હલ્ક તમારી જેમ સ્મેશ લાગે છે?’ તાજેતરમાં જ પોતાના નેતૃત્વમાં હિમાચલ પ્રદેશને પહેલીવાર વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનારા ઋષિ ધવને લખ્યું, ‘વાહ આ રંગ તમને સૂટ કરે છે સૂર્યકુમાર ભાઈ.’ સરફરાઝ ખાને લખ્યું, ‘SKY સારો હલ્ક છે.’

જો કે, સૂર્યકુમાર યાદવનું આ હલ્ક નિસાન કંપનીની જોંગા મોડલની જીપ છે. જોંગાનો પોતાનો ઇતિહાસ છે. નિસાન દ્વારા ડિઝાઇન કરાયેલ આ વાહનનો ઉપયોગ ભારતીય સેના દ્વારા કરવામાં આવતો હતો. જોકે, ભારતીય સેનાએ તેની સેવાઓ લેવાનું બંધ કરી દીધું છે. સૂર્યકુમાર યાદવ એકમાત્ર એવા ક્રિકેટર નથી કે જેમની પાસે આ વાહન છે. એમએસ ધોનીના ગેરેજમાં પણ એક જોંગા છે. તે ઘણીવાર રાંચીમાં તેને ચલાવતો જોવા મળ્યો છે.

જમણા હાથનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ રેન્જ રોવર ઇવોકમાં ફરે છે. તેની આ‘baby Rangie’ 2.0 4-સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે અનુક્રમે 245 અને 177 Bhpનું ઉત્પાદન કરે છે. દિલ્હીમાં તેના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત લગભગ 64 લાખ રૂપિયા છે.

જો સૂર્યકુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. તે ખેલાડીઓમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરોન પોલાર્ડ તેમજ સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ટી-20 અને વનડે શ્રેણી માટે પણ સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળે તેવી અપેક્ષા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અને T20 સિરીઝ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાવાની છે.

error: Content is protected !!