દેશભરમાં રાતોરાત છવાઈ ગયેલો આ ગુજરાતી યુવક કોણ છે? હાલ જ જાણો

હાલ એક ‘દેશભક્ત’ યુવકની ખૂબ ચર્ચા છે. દિલ્હીના લાલ કિલ્લામાં તિરંગાના ડિઝાઈનવાળી કાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરત પાસિંગની લક્ઝુરિયર્સ જગુઆર કાર સાથે સેલ્ફી પડાવવા લોકો પડાપડી કરી રહ્યા છે. આ કારનો માલિક સિદ્ધાર્થ દોશી સુરતમાં પરિવાર સાથે રહે છે અને સાડીનો શો રૂમ ધરાવે છે. મિડીયાએ કારના માલિક સિદ્ધાર્થ દોશી સાથે વાત કરી હતી. સિદ્ધાર્થ હાલ તેના મિત્ર સાથે દિલ્હીમાં જ છે. આ અંગે તેણે દિલ ખોલીને વાત કરી હતી.

સેલ્ફી લેવા લોકો 2-3 કિમી પાછળ આવતા
મૂળ બનાસકાંઠાના લીલાધર ગામના વતની અને હાલ સુરતના પાલ અડાજણ વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ દોશીએ કહ્યું કે, ‘અમને જોઈને લોકો કહેતા કે ભાઈ, આપને જો યે ગાડી બનાઈ હૈ… બહોત અચ્છી બનાઈ હૈ ઔર ઐસી કાર હમને પહેલી બાર દેખી હૈ. ગાડી કા હમ કો સેલ્ફી લેના હૈ. લોકો 2-3 કિમી સુધી અમારી પાછળ આવીને ગાડી ઊભી રખાવતા અને કહેતા કે હમ કો સેલ્ફી લેના હૈ. અમે લોકો ક્યાંય પણ જઈએ, અમને જોઈને કહે કે આપ તો ગુજરાત કે સુરત સે કાર લેકે આયે હો ના! હર ઘર તિરંગા કે લિયે, હમ કો ભી સેલ્ફી લેના હૈ.’

આઇડિયા કેવી રીતે આવ્યો?
સિદ્ધાર્થ દોષીએ કહ્યું, ‘પ્રાઇમ મિનિસ્ટર સરે શરૂ કરેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનના કારણે અમે જ્યાં જોઈએ ત્યાં તિરંગા જ દેખાતા હતા. બીજું કંઈ દેખાતું જ નહોતું. અમારા ત્યાં કસ્ટમર પણ આવે તો તેઓ પણ એવું કહે છે, અમારે તિરંગા જોઈએ છે, તિરંગા મોકલાવો, જેથી મને લાગ્યું કે મારે પણ આ અભિયાનમાં જોડાવવું જોઈએ. એ પછી મને આ કાર પર તિરંગાનો આઇડિયા આવ્યો. બાદમાં મારા ડિઝાઇનરને વાત કરી કે આવું કંઈક કરવું છે. તો તેમણે મને થોડી ડિઝાઇન આપી. એનો ડેમો બનાવીને આપ્યો, એટલે મેં કહ્યું કે બસ, મારે આવી કાર કરવી છે.’

12 ઓગસ્ટે સુરતથી નીકળ્યા
12 ધોરણ સુધી ભણેલા સિદ્ધાર્થ દોષીએ કહ્યું, ‘અમે 12મી ઓગસ્ટના રોજ સુરતથી નીકળ્યા હતા. દિલ્હી જવાનો પ્લાન અમે પહેલેથી કરીને જ રાખ્યો હતો. એ મુજબ હું અને મારા મિત્ર મૌલિક જાની બંને સાથે નીકળ્યા હતા. અમારી આખી ગાડી તિરંગાથી પેક હતી. અમે આખા રસ્તે તિરંગા વહેંચતા હતા અને ક્યારેક ખૂટી પડ્યા તો રસ્તામાં વધુ ખરીદી લીધા હતા. અમે સ્કૂલમાં, રેલીઓમાં અને બીજી ઘણી જગ્યાએ તિરંગા વહેંચ્યા હતા. (એમાં કેટલો ખર્ચો થયો એ અંગે સવાલ પૂછતાં તેમણે એ અંગે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.)

24 કલાક ડ્રાઇવિંગ કર્યું
તેમણે કહ્યું, ‘આખી જર્ની દરમિયાન અમને કોઈ જ અડચણ આવી નહીં. 24 કલાક ડ્રાઇવિંગ કર્યું. આર્મીની અમુક ચેક પોસ્ટ હતી ત્યાં પણ પોલીસ મિત્રો કે મિલિટરી ફોર્સ મળી તેમને પણ તિરંગા આપ્યા. આ જર્ની દરમિયાન બહુ જ આનંદ મળ્યો અને PM સાહેબ તથા ગૃહમંત્રી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે એ જો દર વર્ષે ચાલે તો દેશની અંદર કંઈક અલગ જ માહોલ ઊભો થાય. દેશમાં બીજા કોઈ તહેવાર ઊજવાય કે ના ઊજવાય, પરંતુ આ તહેવાર તો દેશપ્રેમ માટે ઊજવાવા જ જોઈએ.’

દિલ્હીમાં PM મોદીને મળવું હતું
સિદ્ધાર્થ દોશીએ આગળ કહ્યું, ‘અમારો પ્રાઇમ મિનિસ્ટર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહને મળવાનો વિચાર હતો. ત્યાં અમને સિક્યોરિટીવાળાએ પૂછ્યું કે તમારે શું કરવું છે? તો કહ્યું, ‘અમે સંદેશો લઈને આવ્યા છીએ અને સરની શુભેચ્છા મુલાકાત કરવી છે અને આશીર્વાદ લેવા છે. અમને 5 નંબરના પાર્કિંગમાં એલોટ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ઘણી ભીડ અને લાઇન પણ એટલી જ હતી કે અમે ટ્રાફિકમાં જ ફસાઈ ગયા. પછી ગેટ બંધ થઈ ગયો હતો.’

યાદગાર અનુભવ
તેમણે ઉમેર્યું, ‘અમને જે પણ બાળકો મળ્યાં એ કહેતાં કે ‘સર, આપકા આઇડી બોલો, સર આપકે સાથ એક સેલ્ફી લેના હૈ.’ એક જગ્યાએ રેલીમાં 400થી 500 બાળકો હતાં અને અમને લાગ્યું કે રેલી છે, પરંતુ તિરંગા નથી તો અમે તેમને એ આપ્યા. એ પછી તેમણે અમને રિક્વેસ્ટ કરી કે ‘આપને હમ લોગો કો તિરંગા દિયા હૈ તો 1-1.5 કિલોમીટર આપ હમારે સાથ ચલો.’ અમે કાર લઈને તેમની સાથે ગયા તો બાળકો બહુ જ ખુશ થઈ ગયાં. અમારું બાળકો પાસે જવાનું કારણ તેમના રાષ્ટ્રપ્રેમ માટે એટલી જાગૃતિ અને એટલો પ્રેમ હતો, એ તિરંગો લઈને બહુ જ ખુશ થઈ ગયા.’

આખી જર્નીમાં 5000 જેટલા ફ્લેગ વહેંચ્યા
સુરતથી દિલ્હીની જર્ની દરમિયાન તેમણે કુલ 4500થી 5000 જેટલા ઝંડા વહેંચ્યા હતા. એમાંથી 1500થી 1700 જેવા દંડાવાળા હતા, જ્યારે બાકીના સાદા હતા. ભવિષ્યમાં પણ લોકોની સેવા કરવાનું વિચાર્યું છે. મારા પરિવારમાં પણ બર્થ ડે કે અન્ય પ્રસંગ હોય ત્યારે પણ કોઈ ને કોઈ સામાજિક કાર્ય કરતા જ હોઈએ છીએ. મારો પરિવાર પણ સેવા કરવામાં જ માને છે. આપણે કરેલી સેવા અને લોકોના આશીર્વાદ જ આગળ આવવાનાં છે.

અગાઉ 73 કલાકમાં લેહથી કન્યાકુમારી કાર ચલાવી રેકોર્ડ કર્યો
‘હું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડહોલ્ડર છું. 7 મહિના પહેલાં લેહથી કન્યાકુમારી સુધી હું નોનસ્ટોપ કાર ચલાવીને પહોંચ્યો હતો. ત્યારે 73 કલાકમાં 4000 કિલોમીટર મેં કાર ચલાવી હતી. એ વખતે નીતિન ગડકરીએ મને ફ્લેગ ઓફ કર્યું હતું. ભારતમાં ત્રીજો તથા ગુજરાતમાં મારો પહેલો નંબર છે.’

error: Content is protected !!