ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો નીકળ્યો સુરેન્દ્રનગરમાં 40 બાઇકનો ચોર, અમેરિકામાં હતો 1.5 લાખનો પગાર

સુરેન્દ્રનગરઃ ચોટીલામાં રહેતા 2 મિત્રે સુરેન્દ્રનગર સહિત રાજ્યના 8 જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી. 3 આરોપી પાસેથી ચોરેલી 7.60 લાખની કિંમતની કુલ 40 બાઇક મળી હતી. મુખ્ય સૂત્રધાર અને મૂળ ચોટીલાનો વતની સિરાજ અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને રૂ.1.50 લાખનો પગાર મેળવતો. તેને પ્રેમ થતાં લગ્ન કરવા ચોટીલા આવ્યો હતો, પણ લગ્ન ન થતાં ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. બાઇકની ચોરી કરીને વેચ્યા પછી બંને મિત્રો દારૂની મહેફિલ માણતા હતા અને પૈસા ખૂટે એટલે ફરીથી બાઇકની ચોરી કરતા.

એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીએ જુદી જુદી ટીમો બનાવીને સ્ટાફને ખાસ વોચ રાખવા માટે તાકીદ કરી હતી, જેમાં અજયસિંહ ઝાલાને મળેલી હકીકતને આધારે સ્ટાફના એન.ડી.ચૂડાસમા, નિકુલસિંહ, ભૂપેન્દ્રભાઇ, વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ સહિતની ટીમે વોચ ગોઠવી રાજકોટ-અમદાવાદ હાઇવે પર વણકી ગામના બોર્ડ પાસેથી સિરાજ, રાજુને ચોરીની બાઇક સાથે પકડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ બાઇકચોરીનાં કારસ્તાનોની વિગતો જણાવી હતી.

સાયલાના ધારાડુંગરી ખાતે રામસિંગની વાડીએ છુપાવેલી બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં 5 બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાઈક વેચવા ગ્રાહકોને કહેતા કે આ કંપનીમાંથી છૂટેલી જૂની બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે.

ધારાડુંગરીનો રામસિંગ ચેકિંગ ન થતું હોઈ, ગામડાંમાં બાઇક વેચતોઃ ગામડાંમાં બાઇકના કાગળોનું ચેકિંગ ભાગ્યે જ થતું હોય છે. સાયલા અને ચોટીલાના અંતરિયાળ ગામડાંના લોકો તો પોતાના ગામ કે આજુબાજુમાં જ બાઇક લઇને ફરતા હોય છે, આથી તે ગામડાંમાં જ બાઇક વેચતો હતો.

ચોટીલાથી પ્લાન સાથે ઘરેથી નીકળી રસ્તામાં ચોરેલી બાઇકની નંબરપ્લેટ કાઢી નાખતા
બંને મિત્રો ચોરી કરવા કયા શહેરમાં ત્રાટકવાનું છે તેનો પ્લાન 1 દિવસ અગાઉ બનાવી ચોટીલાથી બસમાં બેસતા. સ્ટેશન કે હોસ્પિટલ નજીકના વિસ્તારમાં ચોરી કરતા. રસ્તામાં નંબર પ્લેટ કાઢીને સીધા ધારાડુંગરી પહોચી જતા અને રામસિંગને બાઇક વેચવા માટે આપી દેતા

માસ્ટર કીથી બાઇક ચોરતાઃ બંને શખસ જાહેર રસ્તાઓ ઉપર પડેલી બાઇકમાંથી કયા બાઇકનું હેન્ડલ લોક કરેલું નથી એ જોતાં, પછી કઈ બાઇકને ઉઠાવવી છે એ નકકી કરીને પોતાની પાસે રહેલી માસ્ટર કીથી એને ચાલુ કરી લઇને રવાના થઇ જતા.

અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો કૌટુંબિક ભત્રીજો હોવાનો આરોપીનો દાવોઃ બોલીવુડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ કાપડિયાનું મૂળ વતન ચોટીલા છે. બોલિવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરનાર ડિમ્પલ કાપડિયા વર્ષોથી મુંબઇમાં જ રહે છે. બાઇકચોરીમાં પકડાયેલો સિરાજ ઉર્ફે ચિન્ટુએ પોલીસની પૂછપરછમાં એવી વિગતો જણાવી હતી કે જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ મારા ફૂઇનાં દીકરી છે. જોકે પોલીસને આ કેસમાં ડિમ્પલની કોઇ વિગતોની જરૂર ન હોઈ, એ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.

error: Content is protected !!