સવજીભાઈ ધોળકિયાના દીકરાએ નોકરી માટે અનેક ઠોકર ખાધી, ત્રણ જોડી કપડામાં દિવસો કાઢ્યા

સુરતના પ્રખ્યાત ડાયમંડ બિઝનેસમેન અને સેવાની સુવાસ મહેકાવનાર સવજીભાઈ ધોળકિયાને હાલમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 6 હજાર કરોડનું ટર્નઓવર અને 21 દેશોમાં હીરાનો વેપાર ધરાવતા હરેકૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયાએ જીવનમાં ખૂબ ગરીબી જોઈ છે. કર્મચારીઓને ઘર, કાર અને જ્વેલરી આપીને જાણીતા બનેલા સવજીભાઈનું શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહ્યું છે. સવજીભાઈ તેની આગામી પેઢીને પણ એ જ રીતે ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમને જાણીને નવાઈ લાગશે પણ આજથી 6 વર્ષ પહેલાં સવજીભાઈએ ખુદ તેમના દીકરા દ્રવ્યની પરીક્ષા લીધી હતી.

હાલ પિતાનો વ્યવસાય સંભાળતો દીકરા દ્રવ્યને છ વર્ષ પહેલાં પૈસા અને જિંદગીનું મહત્વ સમજાય એટલા માટે તેને અજાણ્યા શહેરમાં ત્રણ અઠવાડિયા સુધી એકલો મૂકી દીધો હતો. તેમણે દીકરાને કોઈ પણ ઓળખાણ વગર ત્રણ જોડી કપડાં ત્રણ અઠવાડિયામાં ત્રણ નોકરી કરવાની ચેલેન્જ આપી હતી. જોકે મોરના ઈંડા ચિતરવા ન પડે એમ દીકરા દ્રવ્યએ ભૂખ્યા-તરસ્યા ઉંઘી અને અનેક ઠોકર ખાયને અઘરું ગણાતું કાર્ય પૂરું કર્યું હતું. ધોળકિયા પરિવારના આ કિસ્સાની ઈન્ટરનેશનલ મીડિયાએ પણ નોંધ લીધી હતી.

સવજીભાઈને કેવી રીતે આવ્યો વિચાર
વર્ષો અગાઉ બિઝનેસના કામે સવજીભાઈ લંડન ગયા હતા, સાથે પુત્ર દ્રવ્ય પણ હતો. સવજીભાઈને પાપડ ખાવાનો ભારે શોખ. લંડનની રેસ્ટોરન્ટમાં પુત્રએ પિતાનો આ શોખ જાણીને જમવામાં પાપડ મંગાવ્યો. જમવાનું પૂરું થયું એટલે બિલ આવ્યું. પીઢ વેપારીની જેમ સવજીભાઈની બિલ પર નજર પડી. રેસ્ટોરન્ટે બિલમાં એક પાપડના 4 પાઉન્ડ (અંદાજ 400 રૂપિયા) વસૂલ્યા હતા. એ વખતે તો સવજીભાઈ કંઈ બોલ્યા નહીં, પણ મનમાં ગાંઠ વાળી કે પુત્રને જિંદગીના પાઠ તથા પૈસાનું મૂલ્ય સમજાવવા કંઈક કરવું પડશે. અંતે એ ઘડી આવી ગઈ.

પિતાએ દીકરાને આપી ચેલેન્જ
2016નું વર્ષ હતું. એ વખતે સવજીભાઈના દીકરા દ્રવ્યની ઉંમર 21 વર્ષની હતી. તે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો. દરમિયાન દ્રવ્ય ત્રણ મહિના વેકેશન માટે સુરત આવ્યો હતો. સવજીભાઈના મનમાં પાપડની કિંમતવાળી વાત હજી તાજી જ હતી. તેમને દીકરાને પૈસાનું મૂલ્ય સમજાવવું હતું. આથી તેમણે પુત્રને કોઈ અજાણી જગ્યાએ જઈ નોકરી શોધી પૈસા કમાવવા કહ્યું. પહેલા તો દ્રવ્ય કંઈ સમજી શક્યો નહી. પછી તેને પિતાની આખી વાત સમજાઈ ગઈ. સવજીભાઈનો પુત્ર હતો જે કંઈ એમ ગાંજ્યો જાય એમ નહોતો. પિતાનો આદેશ માની ચેલેન્જનો સ્વિકાર કર્યો.

ત્રણ જોડી કપડાં અને રહેવા-જમવાની વ્યવસ્થા જાતે કરવી
આ અંગે દ્રવ્યએ મીડિયા સાથેની વાતચીતમાં તેના અનુભવો વર્ણવ્યા હતા. સવજીભાઈએ દ્રવ્ય માટે અમુક શરતો રાખી હતી. માત્ર ત્રણ જોડી કપડાં, દૈનિક જરૂર સામાન અને 7 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. જે માત્ર ઈમર્જન્સીમાં જ યુઝ કરવાની છૂટ હતી. દ્રવ્યએ તેની જમવાની અને રહેવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. એટલું જ નહીં એક જગ્યા પર એક અઠવાડિયા વધુ કામ નહીં કરી શકે. દરે અઠવાડિયા બાદ કામ કે નોકરી બદલી નાંખવી ફરિજયાત છે.

36 કલાક સુધી ભૂખ્યા રહેવું પડ્યું
કેરળના લોકો, ભાષાથી લઈને કલ્ચર બધું જ ગુજરાતથી અલગ પડે છે. પણ સવજીભાઈના દીકરાએ હિંમત હાર્યા વગર અજાણ્યા શહેર તરફ પ્રસ્થાન કર્યું. સવજીભાઈએ કેરળના કોચ્ચિ શહેરની દીકરા દ્રવ્ય માટે ટિકિટ કરાવી આપી. દ્રવ્ય એક નાની બેગમાં કપડાં અને જરૂરી સામાન લઈને રવાના થયો. કોચ્ચી પહોંચી ગયા બાદ નોકરી શોધવા લાગ્યો. પહેલાં પાંચ દિવસ કોઈ નોકરી ન મળી. ભાષાનો અવરોધ હોવાથી નોકર મળવી મુશ્કેલ લાગતી હતી. એક તબક્કે તો 36 કલાક સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું. છઠ્ઠા દિવસે એક રેસ્ટોરન્ટમાં નોકરી મળી, જેમાં બેકરીની આઈટમ વેચવાની હતી. સ્ટાફના લોકો જે ખાય એ ખાવાનું અને એ લોકો રહે ત્યાં રહેવાનું. પણ પહેલું સપ્તાહ સમાપ્ત થઈ ગયું હોવાથી દ્વવ્યએ એક દિવસ નોકરી કર્યા બાદ બીજી નોકરી શોધવાનું શરૂ કર્યું.

એક ટાઈમ બિસ્કીટ ખાઈને દિવસો પસાર કર્યા
ઘણા પ્રયત્નો પછી એડીદાસના શો-રૂમમાં નોકરી મળી. પણ પહેલાં દિવસે જ શા-રૂમના માલિકને ખબર પડી ગઈ કે યુવક દ્રવ્યને નોકરી ફાવશે નહીં, એટલે તેમણે તેને પછી આવવાનું કહ્યું, જેથી તેને ટ્રેઈન કરી શકે અને પછી નોકરીએ રાખી શકે. દ્રવ્યએ બીજી નોકરીઓ શોધવાનું શરૂ કર્યું. અંતે એક બીપીઓમાં નોકરી મળી. અમેરિકી કંપનીમાં સોલાર પેનલ વેચવાનું કામ કરવાનું હતું. તેઓ તેને રોજનો રોજ પગાર ચૂકવવા રાજી થઈ ગયા હતા. પણ આ ઘણું નાનું સ્ટાર્ટઅપ હતું. એટલે તેને પગારમાં સાવ મામૂલી મહેનતાણું મળતું હતું. જેમાં તેએક ટાઈમ જ સંભાર-રાઈસ જમી શકતો હતો. સાંજના સમયે તે બિસ્કીટ ખાયને ચલાવી લેતો હતો.

અંતે લોકોને હકીકત બતાવી
દ્રવ્યએ ચોથી નોકરી મેકડોનાલ્ડમાં મળી હતી. અહીં તેને કલાકના 30 રૂપિયા લેખે પગાર આપવાની વાત થઈ હતી. જોકે આ નોકરી તે કરી શક્યો નહોતો. સુરતમાં બંગલોમાં રહેતા દ્રવ્યને સામાન્ય રૂમમાં રહેવું પડ્યું હતું તેમજ કોમન બાથરૂમ યુઝ કરવું પડતુ હતું. ત્રણ અઠવાડિયા પુરા થતાં સવજીભાઈના લોકો તેને લેવા આવ્યા હતા. જોકે જતા જતા દ્રવ્યએ નોકરીએ રાખનાર તમામ લોકોને મળ્યો હતો અને તેની હકીકત બતાવી હતી. તેણે તમામ લોકોને ગિફ્ટ આપી હતી.

3950 રૂપિયાની કમાણી કરી
કોચીમાં દ્રવ્ય ત્રણ અઠવાડિયા રહ્યો અને કોઈ મેનેજમેન્ટ સ્કૂલ ન શીખવી શકે તેવા બિઝનેસના અને જિંદગીના પાછ શીખીને પરત આવ્યો હતો. આ દરમિયાન દ્રવ્યએ પિતાએ આપેલા 7 હજાર ઊપરાંત કુલ ચોખ્ખી 3950 રૂપિયાની કમાણી કરી હતી. જે તેણે પિતાના હાથમાં મૂક્યા તો સવજીભાઈ પણ ગદગદિત થઈ ગયા હતા.

દાન કરવું અને લોકોની કાળજી કરવી
આ અંગે દ્રવ્યએ જણાવ્યું હતું કે કોચીના વસવાટ દરમિયાન મને શીખવા મળ્યું કે બંને એટલી લોકોની મદદ કરો અને તેમની કાળજી રાખો. મને શૂઝ ખરીદવાનો શોખ હતો જે હવે રહ્યો નથી. એવું લાગે છે કે આ બધું વ્યર્થ છે. કોઈ પણ વસ્તુ માટે માલિકીભાવ ન આવવું જોઈએ, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરતા શીખવા મળ્યું તેમજ કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાનું શીખવા મળ્યું. અન્યની પીડાને સમજવી પણ જરૂરી છે.

જાણે મારી જિંદગીની પરીક્ષા હતી
સવજીભાઈએ જણાવ્યું હતું કે દીકરા દ્રવ્યને આ રીતે મોકલવા સામે ઘણા બધાનો વિરોધ હતો. ન કરે નારાયણ અને કંઈ થઈ જાય તો લોકોને શું જવાબ આપવો તેની ચિંતા હતી. પ્રથમ પાંચ દિવસ તો મને એવું જ લાગ્યું કે જાણે મારી જિંદગીની પરીક્ષા છે. પરંતુ આનંદ એ વાતનો છે કે દ્રવ્યએ કોઈ શોર્ટ કટ અપનાવ્યા વિના પ્રમાણિકત, વફાદારી અને ઈન્ટીગ્રેશનથી કામ કર્યું હતું.

error: Content is protected !!