કાળજાનો કટકાને અર્થી પર જોઈને પિતા ભાંગી પડ્યા, લાડલીને લાલ સાડી પહેરીને વિદાઈ આપી

આજે ખૂબ ગમગીનીભર્યો દિવસ છે. સુરતમાં આજે મામૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગ્રીષ્માના પિતા આજે વહેલી સવારે આક્રિકાથી ઘરે આવી ગયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. લાડલી દીકરીના દેહને ભેટીને પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તો માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી દીધું હતું. આ તકે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. એક આંખે એવી બાકી નહોતી કે જે ભીની ન થઈ હોય.

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે.

બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.

ગ્રીષ્માના અંતિમ સંસ્કાર મોટી સંખ્યામાાં લોકો જોડાયા હતા. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.અશ્વનીકુમાર સ્મશાનભૂમિમાં ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગ્રીષ્માના માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે, ત્યારબાદ દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી છે.

આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

error: Content is protected !!