જાણો, કોણ છે ચર્ચાનો વિષય બનેલા એડવોકેટ મેહુલ બોઘરા? તોડબાજી કરતા કર્મચારીઓમાં મેહુલ નામથી જ …

હાલ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર મેહુલ બોધરા નામની ચર્ચાઓ થઈ રહી છે. સામાન્ય લોકો નિયમ તોડે તો દંડ થાય છે તો પોલીસ અને નેતાઓ કે તંત્રના લોકોને કેમ દંડ થતો નથી કાયદો બધા માટે સમાન છે. ત્યારે તમામ લોકો કાયદાના આધીન રહે તે માટેનું હું કામ કરી રહ્યો છું. આ શબ્દો છે સુરતના યુવા વકીલ મેહુલ બોઘરાના જેમને બે દિવસ અગાઉ સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબીના સુપરવાઇઝર દ્વારા જાહેરમાં 15થી વધુ દંડા ફટકાવીને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. કાયદાનું જ્ઞાન ધરાવતા યુવા વકીલ મેહુલ બોઘરા અગાઉ પણ પોલીસ સહિતના વિભાગના કર્મચારીઓની ગેરવર્તુળકને લોકો સમક્ષ ઉજાગર કરતા ધમકીઓ પણ અગાઉ મળી હતી.

વકીલ મેહુલ બોઘરા કેમ ચર્ચામાં?
બે દિવસ પહેલાં સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટના સ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને 15 દંડા ફટકારી માર માર્યો હતો. વકીલને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર લઇ જવાયા હતા. એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીકર્મી તથા અન્ય 3 સામે આઇપીસી 302 (હત્યાનો પ્રયાસ)નો ગુનો નોંધાયો છે.

બે વર્ષથી અભિયાન હાથ ધર્યું
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની અને સુરતના યોગી ચોકમાં રહેતા વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી એલએલબી કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. જોકે તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

લોકોને જ્ઞાન થાય કાયદાનું તે માટે આ કરું છું
વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા મેહુલ બોઘરાએ કહ્યું કે, હું કાયદાની લડત ચલાવવાની સાથે સાથે લોકોમાં કાયદા અંગેનું જ્ઞાન થાય તથા પોતાને જે કાયદા અને નિયમો લાગુ પડે છે. તેવા જ નિયમો અને કાયદા સરકારી અધિકારીઓને પણ લાગુ પડે તે સામાન્ય લોકોને જાણ કરાવવા માટે સોશિયલ મીડિયા માધ્યમ થકી અધિકારીઓ અને કર્મચારીઓની પોલ જાહેર કરું છું.

અગાઉ પણ ધમકીઓ મળતી
એડવોકેટ મેહુલ જણાવ્યું હતું કે, આ કામ કરવામાં ઘણી વાર તંત્રના લોકોને કર્મચારીઓ સીધી રીતે ધમકીના આપતા અન્ય મારફતે ફોન કરાવીને અપશબ્દો પણ કહે છે. ઘણા લોકો તો ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપે છે. જોકે હું મારી આ લડતમાં અડગ રહેવા માંગુ છું. આ હુમલો થયો તેના મહિના પહેલાં પણ ધમકી મળી હતી. જોકે હું ધમકીઓથી ડરતો નથી અને હુમલો થયો તો પણ ડરવાનો નથી.

પીએસઆઇની ગાડીને આ રીતે દંડ કરાવેલો
મેહુલભાઈ એ અગાઉ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબલિયાની ગાડી સરથાણા પોલીસ સ્ટેશન નજીક રોંગ સાઇડ પર પાર્ક કરેલી હતી. જેથી તપાસ કરતાં માલૂમ પડ્યું ગાડીમાં કાળા કાચ હતા તથા પીએસયુ કે વીમો પણ નથી. જેથી આ અંગે મેં વીડિયો બનાવ્યો અને બાદમાં તેમને દંડ કરાવ્યો હતો.

પોલીસ ધારે તો સારું કામ વધુ કરી શકે
પોલીસને નબળી બાજુ ઉજાગર કરતા મેહુલ એ જણાવ્યું કે પોલીસ ધારે તો કાયદા ના સહારે તમામ તંત્ર અને સુધારી શકે છે ભ્રષ્ટાચાર ઘટી શકે છે. પરંતુ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખાખીની આડમાં પોતાને સર્વેસર્વા માને છે તેના વિરુદ્ધ હું કામ કરી રહ્યો છું. ઘણા સારા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે પોતાનું કામ સારી રીતે બનાવે છે. જેને હું સલામ કરું છું. પરંતુ નિયમો જેમ લોકોને લાગુ પડે તેમ તમામ ને લાગુ પડવા જોઈએ. તેના કારણે આમ અભિયાન ચલાવી રહ્યો છું અને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યો છું.

સાજન ભરવાડ દ્વારા હુમલો થયો
બે દિવસ અગાઉ સુરતમાં સાજન ભરવાડ જે ટીઆરબીમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવે છે તેને સાદા ડ્રેસમાં મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. જેના કારણે મેહુલ બોઘરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથાના અને પગના ભાગ્ય મેહુલ બોગરાને પૂજા થઈ છે. આ કેસમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે. જેની પોલીસ દ્વારા વધુ તપાસ થઈ રહી છે.

error: Content is protected !!