નોન AC બસ હતી તો બસમાં આગ કેવી રીતે લાગી? ખૂલશે અનેક રહસ્યો

સુરત: સુરતમાં ભાવનગરની પરિણીતાનો ભોગ લેનાર રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ કેવી રીતે લાગી એ રહસ્ય ઉકેલવા પોલીસે એફએસએલ, આરટીઓ, ફાયર વિભાગની ટીમ સાથે મળી તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આગને લીધે ધુમાડો નીકળતાં ડ્રાઈવરે બસ અટકાવી પછી મૃતક તાનિયા અને વિશાલ નવલાનીની સીટ નીચેની સીટ પર બ્લાસ્ટ થયા બાદ આગ વધુ ભભૂકી હતી. જ્યારે બસમાંથી મળેલા સામાનમાંથી કાચ અને હીરા સાફ કરવાના લિક્વિડની હાજરી મળી છે. જોકે લક્ઝરી બસમાં આગ કેવી રીતે લાગી ? એ હજુ રહસ્ય છે.

સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે ગત મંગળવારે રાત્રે 9.30ના અરસામાં સુરતથી ભાવનગર જવા ઊપડેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ભીષણ આગને પગલે પતિ સાથે ભાવનગર જતી તાનિયા વિશાલ નવલાની મોતને ભેટી હતી. લક્ઝરી બસમાં આગ કેવી રીતે લાગી એ જાણવા કાપોદ્રા પોલીસે એફએસએલ, આરટીઓ, ફાયર વિભાગની ટીમ સાથે મળી તપાસ કરી રહી છે. ઉપરાંત બસની ડિકીમાંથી મળેલા સામાનને પણ જપ્ત કરી એની પણ તપાસ કરી રહી છે.

બસમાં આગ લાગી એ પહેલાં ડ્રાઇવરે ધુમાડો જોતાં બસ અટકાવી તેની ગણતરીની પળોમાં આગ પ્રસરી હતી અને બાદમાં બ્લાસ્ટ થયા બાદ આગ ભીષણ બની હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે જે બ્લાસ્ટ થયો એ તાનિયા અને વિશાલની સીટ નીચેની સીટ પર થયો હતો. બંને વચ્ચેથી પાછળ જતી સીટમાં ઉપરના સોફામાં હતા.

પોલીસને બસના સામાનમાંથી માથામાં નાખવાના સીરમની બોટલો મળી છે. જોકે એ આગ માટે જવાબદાર નહીં હોવાનું પોલીસનું હાલ અનુમાન છે. પોલીસને બસમાંથી કાચ અને હીરા સાફ કરવા માટેના લિક્વિડની હાજરી મળી છે. એને લીધે આગ લાગી હોવાની આશંકા છે.

કાપોદ્રામાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટનામાં 36 કલાક બાદ પણ પોલીસ અને FSL આગનું મૂળ કારણ જાણી શકી નથી. મહિલા પ્રવાસી તાનિયા વિશાલ નવલાનીનું સળગી જતાં મોત થયું હતું તથા તેમના પતિ વિશાલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. એફએસએલ પણ બસનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ એવાં ચિહનો એફએસએલને મળ્યા નથી, જેનાથી આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શકે.

સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે ગત મંગળવારે રાત્રે 9.30ના અરસામાં ભાવનગર જવા માટે ઊપડેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસ ( નં.જીજે-04-એટી-9963 )માં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર 14થી 15 પેસેન્જર પૈકી મોટા ભાગના ઊતરી જતાં બચી ગયા હતા. જોકે પતિ વિશાલ નારણભાઇ નવલાની ( ઉં.વ.30, રહે.રસાલા કેમ્પ, કાળાનાળા, ભાવનગર ) સાથે ઉપરના સોફા પર બેસેલી તાનિયા ઉર્ફે પ્રિષા ( ઉં.વ.30 )એ આગ લાગતાં પતિ સાથે બારીનો કાચ તોડી ચાલુ બસે નીચે કૂદવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ વિશાલ કૂદી ગયો હતો, જ્યારે તાનિયાનું અડધું શરીર બહાર આવ્યા બાદ કપડું કાચમાં ફસાતાં તે નીકળી શકી નહોતી અને આખા શરીરે દાઝી જતાં તેને 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી, પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બસની બારી તોડી કૂદેલા વિશાલને મોઢાના ભાગે ઇજા થતાં તેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે ગત રોજ સવારે તેને વધુ સારવાર માટે ભાવનગર લઈ ગયા હતા.

error: Content is protected !!