મને બદનામ ન કરતાં, મે કોઈ ખોટા કામ નથી કર્યા.. લખી 8 વર્ષની દીકરીને સાથે લઈને માતાએ ન કરવાનું કરી નાખ્યું

માંગરોળ તાલુકાના તરસાડી નગરના પંડવાઈ રોડ પર આવેલ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતી 32 વર્ષીય પરિણીતા પોતાની 8 વર્ષની પુત્રીને લઈને 24 તારીખની સાંજે અચાનક ઘર છોડીને જતી રહી હતી. નોકરીએથી પરત ફરેલા પતિએ મોટા પુત્રએ મમ્મી ઘરમાં ન હોવાની જાણ કરી હતી. પત્નીની શોધખોળ દરમિયાન પત્ની દ્વારા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પરિણીતા પોતાના શરીરથી કંટાળી પુત્રીને લઈને પાણીમાં કૂદવા જાઉં છું તેવો ઉલ્લેખ કર્યો છે. પોતાના અને પુત્રીના મૃત્યુ પાછળ કોઈ પણ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું.

તરસાડીની સ્વાસ્તિક રેસીડેન્સીમાં રહેતા પ્રકાશકુમાર કરશનભાઈ પટેલની પત્ની ભૂમિકા (32) અને મોટો દીકરો વૃષભ (14) નાની દીકરી ત્રીશા (8) છે. પ્રકાશ પોતે કરંજ ખાતે આવેલી શાહલોન કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. 24મીના રોજ સાંજે 7.30 વાગ્યાના અરસામાં નોકરીથી પરત ઘરે આવ્યો હતો. ત્યારે મોટા પુત્ર વૃષભે જણાવ્યું હતું કે મમ્મી અને ત્રીશા બંને સાંજે 5.00 વાગ્યાના અરસામાં ઘરેથી બજારમાં ગયા છે. ઘણો સમય થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફર્યા નથી. જેથી પ્રકાશે પોતાની પત્નીને શોધવા સગાવાહલા અને સાસુ સસરાને ત્યાં ફોન કરી તપાસ કરવા છતાં પણ તે મળી આવી ન હતી. ઘરમાં ટીવીના શોકેશના કાચ ઉપર એક કાગળ પડ્યો હતો. જેમાં પત્ની ભૂમિકાએ પુત્રીને સાથે લઈ પોતે પાણીમાં કૂદી સ્યુસાઈડ કરવા જઈ રહી હોવાનું લખ્યું હતું.

આ અંગે પ્રકાશ દ્વારા પત્ની અને પુત્રી ગુમ થવાની જાણવા જોગ કોસંબા પોલીસમાં કરવામાં આવી છે. હાલ કોસંબા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી નીકળ્યા બાદ ભૂમિ જે સોસાયટીમાં પસાર થઈ હતી તે સોસાયટીના રહીશોએ તેને પુત્રી સાથે ચાલતી જતી જોવા મળી હતી. નગરમાં લાગેલા સીસીટીવી ચેક કરતાં કોઈપણ સીસીટીવીમાં માં દીકરી નજરે પડતાં નથી. જેથી હાલ આ ઘટના એક કોયડા સમાન બની છે.

ત્રિશા મારા વિના રહેતી નથી માટે તેને પણ લઇ જાઉં છું
હું મારી જાતે આ મારા શરીરથી કંટાળીને આ પગલું ભરું છું. મારી જાતે અને મારી મરજીથી મારે મરી જવું છે. મારી ત્રીશા મારા વગર રહેતી નથી અને મને કોઈના પર વિશ્વાસ નથી. એટલે હું એને મારી સાથે મારી નાંખવું યોગ્ય સમજુ છું. મારુ કોઈ જ કરે એમ નથી. તમે લોકો અને મારા મમ્મી પપ્પા કે મારા ઘરનું કોઈપણ મારે કોના પર ઓપરેશન કરાવવાનું આનાથી આગળ પણ ત્રીશાના સિઝર વખતે અને પછી પણ હું એક વર્ષ બીમાર હતી. તે જોઈ લીધુ હતું. મારુ કોઈ કરે એમ નથી. કંઈ કોઈને જ નથી કહેવું. વૃષભનું ધ્યાન રાખજો ભણાવ જો અને આ ઘરમાં મારી જે કંઈ પણ વસ્તુ છે તે કોઈને જ ની આપતાં. બસ મારા બધા સોના પર વૃષભનો અધિકાર રહેશે.

હું આ ઘરમાંથી કંઈ લઈ જતી નથી. પકા તારુ કંઈ જ લીધુ નથી. બસ મારા ભગવાનની મૂર્તિ અને ત્રીશાને લઈને પાણીમાં કોઈ જગ્યાએ જતી રહીશ. માતાજી કરીને મારી લાશ પણ તમને કોઈને ન મળે. મારો તમારા કોઈ કપડા કે મારા મમ્મી પપ્પાના કોઈ કપડા પહેરાવા કે ઓઢીને જવું નથી. તેના કરતાં તો મારી લાશને પાણીમાં માછલાને જંતુઓ ખાય જાય. મારી જે કંઈ પણ ક્રિયા કરો તે કોસંબાના ઘરમાંથી જ કરજો. રણકપુરથી નહીં. મને જીતા જીવ ખૂબ બદનામ કરી હવે મરી ગયા પછી છેલ્લી ઈચ્છા ધરાવી વિનંતી કરું છું. મને બદનામ ની કરતાં. મે કોઈ ખોટા કામ નથી કર્યા. જીવનની ભૂલચૂક માફ કરજો. પકા તુ તારી જીંદગી શાંતિથી નવેસરથી જીવજે. > જયશ્રી કૃષ્ણ ભૂમિ.

મારી કોઈ પણ ક્રિયામાં પારૂલને લાવતા નહીં
મમ્મી હું મારી મરજીથી આ પગલું ભરુ છે. પકા કે બીજા કોઈને જવાબદાર ઠેરવવા નહીં. મારા ગયા પછી હંગામો ની કરતાં. મારુ તમે પણ કોઈ કરે એમ નથી. ખબર જ છે મને. પપ્પા મારી મમ્મીનું ધ્યાન રાખજો, મારી પાસે મારુ સોનુ અને પૈસા હતાં તે અનાથ બાળકોને ભણવા અને ખાવા પીવા માટે મે મારી ત્રીશા પાછળ જાતે જ દાન કરી દીધા છે. મારે તમારુ પણ કશુ જોયતું નથી. મારી અને મારી દીકરીની કોઈપણ ક્રિયામાં મારા ઘરના દરવાજે પારૂલને લાવતા નહીં. આ મારી છેલ્લી ઈચ્છા છે. ધ્યાની અને પથુને મારી ખુબ બધી યાદ. > હરી ઓમ ભૂમી

error: Content is protected !!