એક તરફી પ્રેમી ફેનિલ સાથે 7-7 વાર સમાધાન થયું છતા પણ છેડતી કરતો તો પરિવાર પોલીસ પાસે કેમ ન ગયો?

સુરતમાં પાસોદરામાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. સમાજ માટે ખતરાસમાન આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષીય યુવકે 21 વર્ષીય યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

સરાજાહેરમાં બનાવ બનતાં તથા હત્યાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું.

ગ્રીષ્માની હત્યા થઈ એ અગાઉ હત્યારો ફેનિલ સતત હેરાન કરતો હતો, જેથી ફેનિલથી છુટકારો મેળવવા પરિવાર મથામણ કરી રહ્યો હતો. ફેનિલ સાતેક વાર પરિવારે સમજાવવાની કોશિશ કરી હોવાનું કહેતાં ગ્રીષ્માના પરિવારના સભ્યએ ઉમેર્યું કે પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસની મદદ લઈએ અને પરિવારનું નામ ખરાબ થાય એથી બચવા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

આ હીચકારી ઘટનામાં લાડલી દીકરી ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. જ્યારે ગીષ્મા પર હુમલો થયો એ સમયે બેભાન થયેલી માતા વિલાસબેનને દીકરી સારવાર હેઠળ હોવાનું કહેવાયું છે. જ્યારે ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ આફ્રિકામાં છે. તેમને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહેવાયું છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે

ચકચારી હત્યા કેસમાં હવે જો અને તો વચ્ચે વાત આવીને ઊભી રહી છે. ગ્રીષ્માના પરિવારના સભ્યો આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. જોકે પરિવારને બદનામીના ડરથી તેને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે. અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટના તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે કે દીકરીને રંજાડતા આવાં તત્ત્વોની સામે શરમમાં મુકાયા વગર જ પોલીસ ફરિયાદ કરીને સબક શીખવવો જોઈએ, એવું જાગ્રત નાગરિકો કહી રહ્યા છે.

ફેનિલના પિતા પંકજ ગોયાણીએ કહ્યું હતું કે ફેનિલ અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે મને કહ્યું હતું કે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરશે, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

શું હતી ઘટના
શહેરના કપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ફેનિલને ગોયાણીને કામરેજ રહેતી 21 વર્ષીય કોલેજીયન સ્ટુડન્ટ ગ્રીષ્મા વેકરિયા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી યુવક એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા યુવતીના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, ગઇકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચીને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈ યુવકને ધમકાવ્યો હતો. જેથી યુવકે તેમની પર છરીથી હુમલો કરી દીધો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા બાપાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે છરીથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

એટલું જ નહીં પોલીસને આ ઘટના અંગેની જાણ થતા તે ત્યાં પહોંચી હતી. ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

error: Content is protected !!