સુરતમાં 12 વર્ષની માસૂમને ટ્રક નીચે કચડનાર 36 કલાકમાં જ છૂટી ગયો, પરિવારનું કરૂણ આક્રંદ

સુરત: સુરતના છાપરાભાઠા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે ટ્રકની અડફેટે મોતને ભેટી હતી. વિદ્યાર્થિનીના અકસ્માતના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે પોલીસની ઢીલી નીતિને લઈ વધુ એક શ્રમજીવીએ દીકરી ગુમાવી હોવાનું સામે આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. 24મીના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી ધોરણ-7ની વિદ્યાર્થિની ઘરે જતા ભર બપોરે ટ્રકે કચડી નાખી હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાય છે. જોકે માસૂમ કિશોરીના અકસ્માત કેસમાં લગભગ 36 કલાકમાં ટ્રક ચાલક જામીન પર છૂટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પગપાળા આવતી હતી
અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજૂરી કામ કરતા 42 વર્ષીય દીપકભાઈ પીપલિયા એ જણાવ્યું હતું કે, મર્યાદિત આવકમાં તેઓ પત્ની, 8 વર્ષીય પુત્ર ધ્યાન અને 12 વર્ષીય પુત્રી દિશાનું ગુજરાન ચલાવી રહ્યા છે. દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી. ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે કાળમુખી આઈવા ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું. ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો.દુઃખ એ વાતનું છે કે, ભર બપોરે જાહેરમાં વિદ્યાર્થિનીને કચડી નાખનાર ટ્રક ચાલક ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ છૂટી ગયો હતો. હજી દીકરીની તમામ વિધિઓ કરવાની બાકી છે ને દિશાને મોતની ચાદર ઓઢાવનાર હવે ફરી ખુલ્લામાં ફરી રહ્યોં છે. પોલીસે અકસ્માત બાદ ડ્રાઇવરનું મેડિકલ પણ ન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વીમો પૂર્ણ થઈ ગયો હતો
દીપકભાઈ વોરા (મૃતક કિશોરીના મામા)એ જણાવ્યું હતું કે કાળમુખી ટ્રકનું 2016માં પાર્સિંગ થયું હતું. PUC,ફિટનેસ સર્ટી અને વીમા વગર ટ્રક રોડ ઉપર દોડી રહી હતી. ટ્રકનો 4-11-21 ના રોજ વીમો પૂરો થઈ ગયો હતો. રવિવારે ટ્રકનો માલિક ટ્રકનો વીમો ઉતાર્યો એટલે કે રિન્યુઅલ કરાવ્યું છે. અકસ્માત બાદ પોલીસ સ્ટેશનમાં જપ્ત ટ્રકના વીમાનું રિન્યુઅલ પણ થઈ શકે એ જાણીને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ન્યાય માટે અમે પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપવાનું આયોજન કરી રહ્યા છીએ. બસ દીકરીને ન્યાય મળે એ જ એક આશા છે.

ચક્ષુદાન કરાયું
દીપકભાઇની એકની એક પુત્રી દિશાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાથી માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તર ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે.

error: Content is protected !!