લાડલા પૌત્રના લગ્ન જોવા 90 વર્ષના દાદીમાએ પોતાને જીવતા રાખ્યા, ચોરીના ચાર ફેરા બાદ પકડી અનંતની વાટ

માન્યા માં ન આવે એવો એક ભાવુક બનાવ સામે આવ્યો છે. લાડ લડાવીને પૌત્રને ઉછેર્યા બાદ દાદીને તેના લગ્ન જોવાની ખૂબ ઈચ્છા હતી. પણ 90 વર્ષના દાદીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. 90 વર્ષના દાદીએ પોતાના લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવાના અભરખા સાથે આંગણે આવેલા મોતને થોડી કલાકો થોભાવી દીધું હતું એટલું જ નહીં નવી પરણીને આવેલી પૂત્રવધૂએ દાદીને કાંધ આપી હતી. પૌત્રના ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોયા બાદ જીવતીમાએ અનંતની વાટ પકડી હતી, માત્ર એટલું જ નહીં નવી પરણીને આવેલી પૂત્રવધૂએ દાદીને કાંધ આપી હતી.

આ ભાવુક કરી દેતો કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામા આવેલ સુપેડી ગામમાં સામે આવ્યો છે. અહીં ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક ભીખુભાઇ મકવાણાના 90 વર્ષના માતા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્થામાં હતા. જીવતીમાને પોતાના લાડકા પૌત્ર પાર્થના લગ્ન જોવાની ખૂબ ઈચ્છા હતી. આથી પરિવારે કેમિકલ એન્જિનીયર પુત્ર પાર્થ મકવાણાના લગ્ન ઉનાના રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે નક્કી કરી નાખ્યા હતા.

એકબાજુ જીવતીમાને જીવન અને મૃત્યુ વચ્ચેનુ અંતર ટૂંકુ હતું પણ પૌત્રના લગ્ન જોવાનો ઉત્સાહ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો. બીજીબાજુ જીવતીમાની હાજરી વચ્ચે લગ્ન 22મી જાન્યુઆરીના રોજ નિર્ધારીત કરાયા હતા. પાર્થ મકવાણાની પીઠીની વિધિ પતાવી દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં રાત્રે જાન ઉના પહોંચી હતી.

સુપેડીથી રાત્રિના એક વાગ્યે નીકળેલી જાન સવારે 6 વાગ્યે ઉના પહોંચી હતી. અંદાજે સાડા અગિયાર વાગ્યે વરરાજા પાર્થે ફેરા લીધા હતા. જીવતીમા બિમારી અને અવસ્થાની અશક્તિથી જાનમાં જઇ શક્યા નહોતા. તેમણે ઘરે સૂતા સૂતા વીડિયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્યા હતા. જીવતીમાના ચહેરા પર પૌત્રના લગ્નનો હરખ દેખાતો હતો. લગ્ન રંગેચેંગ પૂરા થયા હતા.

જીવતીમા જાણે પૌત્રના લગ્ન જ જોવા જીવતા હોય એવું બન્યું હતું. પૌત્રના લગ્નને મનભરીને માણ્યા બાદ જાન સુપેડી પહોંચે તે પહેલા જ જાણે મનની મનોકામના પૂરી થયાના આત્મસંતોષ સાથે જીવતીમાએ સાંજે સાડાચારે અનંતની વાટ પકડી હતી. દુનિયા છોડીને ચાલ્યા ગયેલા જીવતી માતાના દેહ પર સંતોષનું સ્મિત સિતારાની જેમ ચમકતું હતું.

નોંધનીય છે કે નિવૃત્ત શિક્ષક ભીખુભાઇના વર્ષ 2000 અવસાન થયુ હતું. પત્નીના દેહાંત બાદ ભીખુભાઇ તથા દાદી જીવતીમાએ પાર્થ સહિત નાના ભાઇ ધ્રુવનો વ્હાલભર્યો ઉછેર કર્યો હતો. જીવતીમા અને ભીખુભાઇએ જીવનમા ઘણો સંઘર્ષ કરી બાળકોને ભણાવ્યા હતા. જ્યારે પૌત્ર પાર્થ કેમિકલ એન્જિનીયર બન્યો હતો.

error: Content is protected !!