સુરતમાંથી 3 વર્ષ પહેલા ગુમ થયેલો દિકરો આધારકાર્ડ પરથી મળ્યો, દિકરો પરિવારને ભેટીને ખૂબ રડ્યો

સુરતઃ સુરતથી 3 વર્ષ પહેલાં ગુમ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ કોરોના વેક્સિનેશન માટે આપેલા આધારકાર્ડ પરથી શોધી કાઢવામાં સફળ થયા છે. પિતા વસંતભાઇ પટેલે જણાવ્યું હતું કે દીકરો લકેશ નાસિકમાં એન્જિનિયરિંગ ભણતો હતો. પરંતુ 3 વર્ષ અને 4 મહિના પહેલા તે અચાનક જ સુરતથી ગુમ થઈ ગયો હતો. ધણા સમયથી શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ કોરોનાકાળ હોવાના કારણે પણ પરિવારને પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના ફોટોગ્રાફર સુશીલ કુંભારના આઈડિયાથી પુત્ર મળ્યો છે. એટલું જ નહીં પણ ગાંધીનગર આઈબીના ડીસીઆઈ ભગવતસિંહ વનારના માર્ગદર્શન મેળવી પુત્ર સુધી પહોંચ્યા છે.

આધારકાર્ડના આધારે યુવકની માહિતી મેળવવામાં સફળતા મળી
ડીસીઆઈ ભગવતસિંહ વનાર સાહેબે જણાવ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાની હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય. આ માર્ગદર્શન બાદ સુશીલે લકેશના આધારકાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમણે સફળતા મળી છે. ગુમ થયેલ લકેશ બેંગ્લોર હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો હતો અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.

યુવક હાલ બેંગ્લોરમાં ડિજિટલ માર્કેટિંગની જોબ કરે છે
વસંતભાઈ એ જણાવ્યું હતું કે, પુત્ર આશરે ત્રણ વર્ષથી ગુમ હતો. તેની શોધખોળ માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેની જાણ થઇ ન હતી. ત્યારે સુશીલભાઈ અને ડીસીઆઈ ભગવતસિંહ વનારના માર્ગદર્શન અને મદદના કારણે આખરે મારો પુત્ર મને મળી આવ્યો છે. તેણે કોરોના વેક્સિન લગાવી તે અંગેની જાણ થતાં અમે તેના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી લઈ આવ્યા હતા અને આખરે ખબર પડી કે તે બેંગ્લોરમાં છે આજે અમે તેને મળ્યા છે. પૈસા કમાવવા માટે તે બેંગ્લોર આવી ગયો હતો અને હાલ તે ડિજિટલ માર્કેટિંગની જોબ કરે છે.

દીકરાને મળવાની ખુશીમાં 36 મહિનાનો દર્દ ગાયબ
વસતભાઈએ કહ્યું હતું કે દીકરો બેંગ્લોરમાં હોવાની જાણ બાદ અમે બેંગ્લોર દોડી ગયા હતા. એના મોબાઈલ નંબર પર રીંગ કરીને કહ્યું દીકરા હું તારા પપ્પા બોલું છું તું કેમ છે આ સાંભળી લકેશ ચોંકી ગયો હતો. ફોન પર જ ભાવુક થઈ ગયો હતો. પપ્પા તમે મારી ઓફીસ પર આવો હું રાહ જોઉં છું. ત્યાં ગયા તો લોકેશના મોઢે પરિવારને જોઈ સ્મિત છલકાય રહ્યું હતું. કશું પણ પૂછ્યું નહીં બસ એને મળવાની ખુશીમાં 36 મહિનાનો દર્દ ગાયબ થઈ ગયો હતો.

વતન જવા નાકળ્યો ને ન પહોંચતા તમામ પ્રકારે શોધખોળ કરી હતી
વધુમાં જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન વેકેશન ગાળવા સુરત આવેલો દીકરો વતન નંદુરબાર જવા નીકળ્યો હતો. પરંતુ વતન નહીં પહોંચતા હોંશ ઉડી ગયા હતા. જાત જાતના ખ્યાલ આવતા હતા. તમામ ધાર્મિક વિધિઓથી માંડી પોલીસ સુધીની મદદ લીધી હતી. આજે કોરોના વેક્સિનેશન માટે આધારકાર્ડની લિંકે દીકરાને મળાવ્યો છે. બસ અમે તો વનાર સાહેબ અને સુશીલભાઈના આભારી છે. જો એમને આવો આઈડિયા અને મદદ ન કરી હોત તો આજે પણ દીકરો માત્ર સ્વપ્નમાં જ હોત.

દીકરો પરિવારને ભેટીને ખૂબ રડ્યો
લકેશે જણાવ્યું હતું કે, પપ્પા મારે કંઈક બનવું હતું એટલે ઘરેથી નિકળ્યા બાદ હું બે-ત્રણ મહિના એમતેમ ફર્યો પછી બેંગ્લોર ચાલી ગયો હતો. જ્યાં મને એક નોકરી મળી ગઈ અને કામમાં વ્યસ્ત થઈ ગયો તો સમય નીકળી ગયો એની ખબર પણ નહીં પડી કહી 36 મહિના બાદ માતા-પિતા અને પરિવારને આંખ સામે જોઈ લકેશની આંખ છલકાય ગઈ હતી. પરિવારને ભેટીને ખૂબ રડ્યો હતો. અહીંયા કામ સાથે કામની વાત કરતા મિત્રોને લઈ હું પરિવારને ભૂલી ગયો હતો. બસ હવે તમારી સાથે જ રહેવું છે પપ્પા એવું કહી લકેશ પરિવાર સાથે સુરત આવી રહ્યો છે.

error: Content is protected !!