કીર્તિદાન ગઢવી ગુજરાતની ગરીબ દીકરીઓના વ્હારે, USમાં ‘લાડકી પ્રોજેક્ટ’ લોન્ચ કરી મહિનામાં 2 કરોડ એકત્ર કર્યા

રાજકોટઃ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના લાડકી ગીતથી સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. ત્યારે કીર્તિદાન ગઢવી પોતાના દરેક કાર્યક્રમમાં આ લાડકી ગીત ગાય તો છે, પરંતુ સાથેસાથે તેઓ લાડકવાયીઓની ચિંતા પણ કરે છે. હાલમાં કોરોનાની મહામારી બાદ નવરાત્રિ પહેલાંથી જ કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચતાં જ માત્ર પાંચ દિવસમાં મિત્ર સાથે બેસી ગુજરાતની ગરીબ દીકરીઓ માટે લાડકી નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેમાં આજે એક મહિનાની અંદર 2 કરોડ જેટલી માતબર રકમ એકઠી થઇ ગઇ છે. એ તમામ રકમ ગુજરાતની ગરીબ દીકરીઓ પાછળ વાપરવામાં આવશે એવી ખાતરી પણ અમેરિકામાં વસતા ગુજરાતીઓને આપી છે.

મિત્ર સાથેની વાતમાં પ્રોજેક્ટ વિચાર આવ્યો
કીર્તિદાન ગઢવીએ 16 સપ્ટેમ્બરથી અમેરિકાની યાત્રા શરૂ કરી હતી. કીર્તિદાને વધુમાં જણાવ્યું હતું કે દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. 5-15 વર્ષ પછી તમે કોની સાથે કરાવશો, કારણ કે દીકરીઓ જ નહીં હોય તો. અમેરિકાના મારા મિત્ર અમિદભાઇ પાઠક અને મને વિચાર આવ્યો કે લાડકી ગીત ગાવું તમને આનંદ આવે, આંસુ આવે એટલેથી વાત પતી જતી નથી. ગુજરાતમાં આવી લાખો દીકરીઓ છે, જેમને રૂપિયાના વાંકે દવા, શિક્ષણ મળતું નથી. પછી માતા-પિતા કહી દે છે કે બેટા તું ન ભણતી.. ભાઇ ભણશે. ગુજરાત અને ભારતમાં માતાઓ અને દીકરીઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે.

સમગ્ર પ્રોજેક્ટને પારદર્શક રાખવામાં આવશે
આ વિચારથી અમે 21 સપ્ટેમ્બરના રોજ ડલાસમાં લાડકી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. એક મહિનામાં બે કરોડ જેવી માતબર રકમ એકઠી થઇ ગઇ છે. અમેરિકાની ધરતી એવી છે કે જ્યાં દાતાઓ મેઘરાજાની જેમ વરસી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પારદર્શક રાખવામાં આવશે અને ઓનલાઇન રહેશે, જેથી તમે પણ જોઇ શકો. એક-એક રૂપિયાનો હિસાબ ઓનલાઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે એમ વધુમાં કીર્તિદાને કહ્યું હતું.

પટેલે ચાલુ ડાયરામાં 21 લાખ આપ્યા
કીર્તિદાને વધુમાં કહ્યું હતું કે ડોનરનો એક-એક રૂપિયો ગુજરાતની ગરીબ દીકરીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ વાત સાંભળી અમેરિકામાં હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતી નીક પટેલે ચાલુ ડાયરામાં 21 લાખ મારા તરફથી જાહેર કર્યું હતું. આ જાહેરાતથી નીક પટેલને સૌકોઇએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવીએ લાડકી ગીત ગાયું એના માટે તેમને અવોર્ડ પણ મળ્યો છે. ભારત સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવે છે, પરંતુ આપણે અમેરિકાથી ભારત સરકાર સુધી એવો મેસેજ પહોંચાડીએ કે હ્યુસ્ટનના ગુજરાતીઓ પણ પાછળ નથી. આ માટે અમેરિકાના ગુજરાતીઓનો ભારત અને ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સપોર્ટ છે.

અમેરિકાના ડેલાવરની ડેપ્યુટી ગવર્નરે સર્ટિફેકેટ આપ્યું
આ અંગે કીર્તિદાન ગઢવીને અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગવર્નર બેથલી હોલ-લોંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. લાડકી ગીતને યુટ્યૂબમાં 100 મિલિયનથી પણ વધુ લોકોએ નીહાળ્યાની વાત ડેપ્યુટી ગવર્નરને કરવામાં આવતાં જ તેઓ ચોંકી ઊઠ્યાં હતાં અને કીર્તિદાનને જણાવ્યું હતું કે હું પણ મારા પિતાથી ખૂબ નજીક છું. આજે મારા પિતા નથી, પણ મને તેની યાદો આજે પણ તાજી થાય છે. બેથલી હોલ-લોંગે કીર્તિદાન ગઢવીને લાડકી ગીત સંભળાવવા અને ગીતની લિંક આપવા જણાવ્યું હતું. આ સમયે જ કીર્તિદાને ગીત સંભળાવતાં ડેપ્યુટી ગવર્નર ખુશખુશાલ થઇ ગયાં હતાં.

કીર્તિદાને 2015માં લાડકી ગીત ગાયું હતું
ખાનગી ચેનલના એક શોમાં કીર્તિદાન ગઢવીએ એપ્રિલ 2015માં લાડકી ગીત ગાયું હતું. બોલિવૂડની જાણીતી સંગીતકારની બેલડી સચિન-જિગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે આ ગીત ગાયું હતું. બાદમાં આ ગીત એટલું ફેમસ થયું કે આજે ગીત નિહાળનારની સંખ્યા 100 મિલિયનને પાર પહોંચી ગઇ છે. કીર્તિદાન ગઢવીએ એક પ્રસંગ વાગોળતાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં તેમનો એક કાર્યક્રમ હતો અને આ સમયે એક ગુજરાતી પરિવારે તેમને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. આ પરિવારની માત્ર 8 માસની માસૂમ દીકરી લાડકી સોંગ સાંભળ્યા બાદ સૂતી હતી અને અચાનક તેના મૃત્યુ બાદ પરિવારની ઈચ્છા હતી કે તેના ફોટા સામે દીપ પ્રગટાવી આ ગીત ગાશે તો તેમની દીકરીને મોક્ષ મળી જશે. એ સમયે લાડકી ગીત ગાવાની શરૂઆત કરતાં સાથે આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

કીર્તીદાનને મળેલા અવૉર્ડ્સ

  • ચાર વખત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) અવૉર્ડથી સન્માનિત
  • વર્ષ 2015ના પ્રિય કલાકાર ભારત માટે એમટીવી એશિયા અવૉર્ડ તરીકે એનાયત કરાયો
  • શ્રેષ્ઠ ગુજરાતી પ્લેબેક સિંગરનો અવૉર્ડ
  • તેમનાં બે ગીતો વીર હમીરજી ફિલ્મના “ઓસ્કાર” માટે નામાંકિત થયાં હતાં
  • વર્ષ 2013માં સર્વશ્રેષ્ઠ લોકસિંગર તરીકે અવૉર્ડ મળ્યો
  • છેલ્લાં 17 વર્ષથી બેસ્ટ નવરાત્રિ શો કરવા બદલ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પણ નામ હાંસલ કર્યું
  • જામનગરમાં લોકડાયરો નામના મ્યુઝિકલ ભજન શોમાં લોકોએ તેમના પર રૂ .4.85 કરોડ ઉડાડ્યાનો રેકોર્ડ બનાવ્યો હતો
  • શ્રી નારાયણ સ્વામી અવૉર્ડથી નવાજવામાં આવ્યા
  • મોરારિબાપુ દ્વારા મોગલ શક્તિ અવૉર્ડ આપવામાં આવ્યો
error: Content is protected !!