હસતો ખેલતો પરિવાર પળ વારમાં વિખેરાયો, એક જ પરિવારના 3 કુળ દીપક બુઝાયા, ધ્રુજાવી દેતો બનાવ
સંતરામપુર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. જેને પગલે પરિવાર શોકમગ્ન બની ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા.
તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક જ પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. ઘટનાને પગલે આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝાલોદ-અમદાવાદ ST બસ અકસ્માત બાદ બાઇકને ઘસડીને દૂર સુધી લઇ ગઇ હોવાનું અનુમાન છે, કારણ કે, બસની પાછળ 100 મીટર દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહો પોલીસને મળ્યા હતા.