સાળી-બનેવીનું પ્રેમ-પ્રકરણ:’તું માત્ર નામનો પતિ છે, મારા બનેવી સાથે પ્રેમસંબંધ છે’ એમ કહીને…

વડોદરા: શહેરમાં સાળી અને બનેવી વચ્ચેના પ્રેમસંબંધની જાણ પતિને થતાં પત્ની અને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં પતિને હાર્ટ-અટેક આવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી-બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો નોંધીને તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રેમી ફોન કરીને પ્રેમિકાનો દાહોદ પરત બોલાવતો હતો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા હિરેનભાઇ ચૌહાણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી-2020 દરમિયાન તેમના લગ્ન ચંચલ તોરણિયા(રહે, મધ્યપ્રદેશ) સાથે થયા હતા. લગ્ન બાદ ચંચલનો બનેવી મલકેશ રાજોરા અવારનવાર ચંચલ સાથે ફોન પર વાતો કરીને અપશબ્દ બોલી તેને દાહોદ પરત આવવા દબાણ કરતો હતો.

પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં પતિને હાર્ટ-અટેક આવ્યો
દરમિયાન તેની પત્ની ચંચલે જણાવ્યું હતું કે ‘મારે મારા બનેવી મલકેશ સાથે ઘણા સમયથી પ્રેમસંબંધ છે. મલકેશ મને લેવા આવી રહ્યો છે, તારે અમારા બંને વચ્ચે આવવાની જરૂર નથી, તું માત્ર નામનો પતિ છે. આગળના મારા પતિને અમે જે રીતે મારી નાખ્યો છે તેમ તારો પણ કોઇ પતો લાગશે નહી’, પત્નીએ આવી ધમકી આપતાં હિરેનભાઈને હાર્ટ-અટેકનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ ફરી મુકેશ પોલીસકર્મીઓ સાથે હિરેનભાઇના ઘરે પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે ચંચલ મારી પ્રેમિકા છે, તું અમારા વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું.

પત્નીએ પતિ તથા સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
તો સામા પક્ષે પત્નીએ હિરેન ચૌહાણ સહિત સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાસરિયાં ભેગાં મળી દહેજની માગ કરીને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. દહેજ પેટે પિયરમાંથી દાગીના તથા ટૂ-વ્હીલર વાહન લાવવા દબાણ કરી ઘરમાંથી કાઢી મૂકી છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે સ્ત્રી અત્યાચાર દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!