વિદ્યાર્થીઓએ જુની બાઈકમાંથી બનાવ્યું ઇલેક્ટ્રિક બાઈક, દોડશે 50 પૈસા પ્રતિ કિ.મી. ને 2 યુનિટથી થશે ફુલ ચાર્જ
રાજકોટઃ પેટ્રોલની કિંમતમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હવે ઇલેક્ટ્રિક બાઈક અને કાર બજારમાં આવી રહ્યા છે ત્યારે શહેરની આર.કે યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કેટલીક નિરુપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને 15 દિવસમાં એક ઇલેક્ટ્રિક બાઈક બનાવ્યું છે. આ બાઈકને ફૂલ ચાર્જ કરવા માટે 2 યુનિટ પાવરની જરૂર પડે છે અને એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બાઈકને 55 કિલોમીટર ચલાવી શકાય છે. આ ઇલેક્ટ્રિક બાઈક પ્રતિકિલોમીટર માત્ર 50 પૈસાના ખર્ચથી ચલાવી શકાતું હોવાનું વિદ્યાર્થી જયદીપ ડોડિયા જણાવે છે.
રાજકોટની આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને યુવા મિકેનિકલ એન્જિનિયર જયદીપ ડોડિયાએ એમના પ્રોફેસર ડૉ. ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ ઇલક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. આ બાઈક એક વાર ચાર્જિંગ કર્યા પછી 50 થી 55 કિલોમીટર ચાલે છે અને એવરેજ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાકની છે.
જયદીપ દ્વારા બનાવેલ આ બાઈકની ખાસિયત એ છે કે કોઈ પણ જૂના બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં કન્વર્ટ કરીને તમે તેને રિસાઇકલ કરી શકાય છે. નવા બાઇકની કિંમતની સામે 60% ઓછી કિંમતમાં આ રીતે બાઇક તૈયાર કરી શકાય છે. બાઇકની અંદર ઓટો ક્લચ સિસ્ટમ પણ છે જે મોટરને ઓવરલોડ કે રફ રસ્તામાં પ્રોટેક્શન આપે છે અને બાઈકની લોડ કેરિંગ કેપેસિટી 200 કિલોગ્રામની છે.