દીકરાને યાદ કરી પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, કહ્યું: ‘મારા દીકરાની સગાઇ બાદ લગ્ન લીધા હતા, પણ સિટી બસે કચડી નાખ્યો’

વડોદરામાં સિટી બસે સુરતની વિદ્યાર્થિનીને કચડી નાખવાની ઘટનામાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે એક વર્ષ અગાઉ સિટી બસની ટક્કરે પોતાના પુત્રને ગુમાવનાર પિતા તેમના પુત્રને યાદ કરીને ધ્રુસકને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમજ માંગણી કરી હતી કે સિટી બસની સ્પીડ ઘટાડવી જોઇએ અને તેને સરખી મેઇન્ટેઇન કરવી જોઇએ. મિડીયા સાથે વાત કરતા કરતા દીકરાને યાદ કરી પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે ‘મારા દીકરાની સગાઇ બાદ લગ્ન લીધા હતા, પણ સિટી બસે કચડી નાખ્યો’.

વડોદરાના ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલ શિવસ્પંદ હાઇટ્સમાં રહેતા અરવિંદભાઇ સુથારના 29 વર્ષિયના જુવાનજોધ પુત્રને શહેરની સિટી બસે ગત વર્ષે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કચડી નાખતા મોતને ભેટ્યો હતો. અરવિંદભાઇએ મિડીયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મારો દિકરો બ્રિજેશ ગત વર્ષે સોમા તળાવ પાસે તીર્થ બંગલો નજીક રોડ પર બમ્પ હતો છતાં સિટી બસવાળાએ મારા દિકરાના ટુ-વ્હીલરને ટક્કર મારી દીધી અને આગળ જઇ ઉભો રહ્યો. જેથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને મારા દિકરાના ફોન પરથી મને ફોન કર્યો હતો કે, તમારા પુત્રને અકસ્માત થયો છે. અમે ત્યાં તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતાં. તો મારો દીકરો ત્યા રોડ પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. જ્યાં ગલીના રસ્તામાં બમ્પ આવેલો છે ત્યાં જો સિટી બસ આવો અકસ્માત કરે તો એ બેદરકારી કહેવાય.

ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં અરવિંદભાઇએ આગળ જણાવ્યું હતું કે, આખા દિવસમાં સિટી બસ દસ-દસ વખત ફેરા મારતી હોય ત્યારે સાંજે આવી રીતે છેલ્લી ટ્રીપોમાં બેફામ સ્પીડે બસ ચલાવે છે તે ખરેખર ના ચાલવી જોઇએ. મારા દિકરાના અકસ્માતના બે-ત્રણ દિવસ પહેલા પણ ન્યાયમંદિર પાસે સિટી બસ એક ભાઇને કચડી નાખી મોતને ઘાટ ઉતાર્યો હતો. સરકારે નિયમ કરવા જોઇએ કે શહેરી વિસ્તારમાં 30થી 40ની સ્પીડથી વધુ બસ ચલાવવી જ ન જોઇએ. સિટી બસના ચાલકો નાના વાહન ચાલકોને આગળ જવા માટે સાઇડ પણ નથી આપતા. જાણે આપણે વરઘોડાની માફક તેની પાછળ ચાલતા હોય તેમ વાહન ચલાવવું પડે છે.

આંખોમાં આંસુ સાથે અરવિંદભાઇએ કહ્યું હતું કે, મારા 29 વર્ષના દિકરાએ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ખૂબ મહેનત કરી હતી. ત્યાર બાદ આઠ વર્ષ સુધી મકરપુરા અને વાઘોડિયા GIDCમાં નોકરી કરી. ત્યાર બાદ અમદાવાદ નજીક સાણંદમાં કોકોકોલા કંપનીમાં નોકરી લાગ્યો હતો. એ દિવસે રજા હોવાથી મારો દિકરો બ્રિજેશ ઘરે આવ્યો હતો. તે દરમિયાન સિટી બસવાળાએ તેને કચડી નાખ્યો.

તેમણે કહ્યું હતું કે, બ્રિજેશની સગાઇ કરી હતી અને તેના લગ્ન લેવાના હતાં. પરંતુ કોરોનાની સ્થિતિને કારણે લગ્ન થોડા મહિના બાદ લઇશું તેમ નક્કી કર્યું હતું. પરંતું આ ઘટના બની ગઇ. અમે સિટી બસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે તેમજ કોર્ટમાં દોવા વળતર માટે દાવો કર્યો છે.

પિતા અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે બ્રિજેશને એન્જીનિયરિંગમાં અભ્યાસ માટે એડમિશન લેવાનું હતું, ત્યારે મેં એક મિત્ર પાસેથી રાત્રે ઉછીના પૈસા લઇને તેની ફી માટે વ્યવસ્થા કરી હતી. મારા પુત્રએ ખૂબ જ સંઘર્ષ કરીને અભ્યાસ કર્યો અને જ્યારે તેને સારી નોકરી મળી અને સુખના દિવસ આવ્યા ત્યારે જ સિટી બસ કાળ બની. અકસ્માતના દિવસે સાંજે મારો પુત્રએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે હું થોડીવારમાં જ ઘરે આવું છું. પણ તે ક્યારેય પરત ન ફર્યો.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે જે સિટી બસો ફૂલ સ્પીડમાં અને બેદરકારીભરી રીતે ચાલી રહી છે, નિયમોનું પાલન કરતા નથી. ડિવાઇડરની બાજુમાં જ ચલાવે છે અને કોઇને સાઇડ આપતા નથી. સિટીના માણસોને તકલીફમાં મુકે છે. જે બસ ચાલકો વધુ સ્પીડમાં બસ ચલાવે તેમને CCTVના આધારે તપાસ કરી દંડ કરવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા સિટી બસની ટક્કરે સ્ટેશનમાં જ મૂળ સુરતની અને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શિવાની સોલંકીનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં બસ ચાલકની બેદરકારી સામે આવી રહી છે. સાથે સિટી બસ સેવાની 15થી વધુ બસો ફિટનેશ વિનાની જોવા મળતા લોકોની સુરક્ષા મુદ્દે કેટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે તે છતી થઇ રહી છે.

error: Content is protected !!