મુકેશ અંબાણીની સંપત્તિમાં દર મિનિટે રૂપિયા 13 કરોડનો ઉમેરો થયો, રોકાણકારો પણ થયા માલામાલ

ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ઘટાડા સાથે 60 હજારની સપાટી નીચે બંધ આવ્યું હતું. જોકે હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરોમાં તેજીમય વલણ આગળ વધ્યું હતું અને આશરે એક ટકા ઉછાળા સાથે ભાવ રૂપિયા 2545ની વિક્રમજનક સપાટી પર પહોંચ્યો હતો. કંપનીના શેરોમાં તેજીને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીની સંપત્તિ કેટલી વધી
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનિયર ઈન્ડેક્સ પ્રમાણે કંપનીના શેરોમાં ભારે તેજીને પગલે મુકેશ અંબાણીની નેટવર્થ 24 કલાકમાં 2.5 અબજ ડોલર વધી 98.5 અબજ ડોલર પહોંચી ગઈ છે. એટલે કે 24 કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં આશરે 18,530 કરોડ વધી ગઈ હતી. આમ પ્રત્યેક મિનિટે તેમની સંપત્તિમાં આશરે 13 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

100 અબજ ડોલરની નજીક
હવે શેરોની કિંમતમાં તેજીમય વલણ આગળ વધશે તો મુકેશ અંબાણી 100 અબજ ડોલર સંપત્તિ ધરાવનાર અબજોપતિની યાદીમાં સામેલ થઈ જશે. અત્યારે તેઓ 100 અબજ ડોલર સંપત્તિની નજીક એટલે કે 98.5 અબજ ડોલર તેઓ વર્તમાન સમયમાં 10માં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. કોવિડ લોકડાઉન સમયે જીયોની હિસ્સેદારી ફેસબુક, ગૂગલ જેવા વિદેશી રોકાણકારોને વેચાણ કરી કંપનીએ આશરે 1.48 લાખ કરોડ રૂપિયા (20 અબજ ડોલર) ભંડોળ એકત્રિત કર્યું છે.

રોકાણકારો પણ થયા માલામાલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજીને પગલે રોકાણકારો પણ માલામાલ થઈ ચુક્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રિલાયન્સના શેરો 28 ટકાનું વળતર આપી ચુક્યું છે. કંપનીના શેરો છેલ્લા બે મહિનામાં આશરે 25 ટકા વળતર આપી ચુક્યા છે. છેલ્લા ચાર-પાંચ સેશનમાં પણ શેરની કિંમત સતત ઉંચી સપાટી સ્પર્શી રહી છે. આ સાથે આજની તેજીને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂડીકરણ વધીને રૂપિયા 16,15,321.80 કરોડ પહોંચ્યું છે.

error: Content is protected !!