ગુજરાતમાં અહીં ગધેડીની રંગેચંગે સીમંત વિધિ યોજાઈ, સોળે શણગાર કરી પૂજાવિધિ થઈ, જુઓ તસવીરો

રાજકોટના ઉપલેટાના કોલકી ગામે આજે હાલારી ગધેડીની રંગેચંગે સીમંત વિધિ યોજાઈ હતી. જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો. રીતિ રિવાજ મુજબ ગધેડીની સીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી. ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા. તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી. આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલારી ગધેડીની સીમંત વિધિ પ્રસંગમાં મંડપો બાંધવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓએ સીમંત વિધિના રૂડા ગીતો ગાયા હતા. ગધેડીની સીમંત વિધિમાં મહિલાઓની સાથોસાથ પુરૂષો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્થાનિક મેઘીબેન ભરવાડે જણાવ્યું હતું કે, માનવીઓમાં જેમ સીમંત વિધિ કરવામાં આવે છે. તેમ હાલારી ગધેડીની પ્રજાતિને બચાવવા માટે સીમંત વિધિ યોજી હતી. આજે માલધારી સમાજ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરકારને વિનંતી છે કે, હાલારી ગધેડાની પ્રજાતિને બચાવવા માટે ખરાબા આપો.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના હાલારી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે. હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 439 જ રહી છે. હાલારી ગધેડાના સંરક્ષણ માટે ભુજની સહજીવન સંસ્થા દ્વારા સીમંત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી ગધેડીની સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ અનોખો પ્રાણીપ્રેમ ગુજરાતમાં લગભગ સૌપ્રથમ ગણી શકાય.

error: Content is protected !!