લોકમેળામાં TRB જવાનને વીજકરંટ લાગ્યો, બચાવવા જતા ફાયરમેન પણ દાઝ્યો, બંનેનાં મોત
ગોંડલ પંથકમાં સાતમના દિવસ દરમ્યાન ઝરમર વરસાદ વરસતો રહ્યો હોવાથી શહેરના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો મોટાભાગનો પંડાલ ભીંજાઈ ગયેલો હોવાથી આજે સાંજના સુમારે ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયરનાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતાં પરિવારોમાં શોકનું મોજુ ફેલાઈ જવા પામ્યું હતું.
વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે ઘવાયા
ગોંડલ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, બાંધકામ શાખાના ચેરમેન અને કર્મચારીઓ બંને યુવાનોને સારવાર અપાવવા રાજકોટ ઘસી ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને વીજ કરંટ લાગતા તે જમીન પર પડી ગયા હતા. તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેને પણ વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા.
એકને બચાવવા જતાં બીજો પણ મોતને ભેટ્યો
આ બંનેને સારવાર અપાવવા માટે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમ દેવસિંહ જાડેજા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી સહિતનાઓ રાજકોટ દોડી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે નરશીભાઈ એક વર્ષ પહેલા જ ફાયર સ્ટેશનમાં કામે લાગ્યા હતા. તે મૂળ બનાસકાંઠા તાલુકાના લાડુલા ગામના વતની હતા અને સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી હોય ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જોડાયા હતા.