રાજકોટમાં ‘તું ફોન નથી ઉપાડતી, હવે હું મરી જઇશ’ કહી, યુવકે ઉઠાવી લીધું ભયાનક પગલું
રાજકોરના શાપર-વેરાવળમાં ભીમનગર-2માં રહેતાં અને શાપરના પાટીયા પાસે આવેલી બજાજ ફાયનાન્સની ઓફિસમાં રિકવરી વિભાગમાં નોકરી કરતાં ચિરાગ અશોકભાઇ સિંધવ (ઉં.વ.22) નામના યુવાને સાંજે ઓફિસમાં જ છતના હુકમાં વાયર બાંધી ગળેફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં મૃતદેહ જ પહોંચ્યાનું તબીબે જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃતકે એક યુવતીને ઓડિયો મેસેજ મોકલી જણાવ્યું હતું કે, ‘તું ફોન નથી ઉપાડતી, હવે હું મરી જઇશ.’
ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
પરિવારજનોના જણાવ્યા મુજબ ચિરાગ બે ભાઇમાં મોટો હતો અને બે મહિના પહેલા જ તેની સગાઇ કંડોરણા પંથકની યુવતી સાથે થઇ હતી. ચિરાગ ફાયનાન્સ કંપનીની ઓફિસમાં નોકરી કરતો હોય મોડી સાંજ સુધી તે ઘરે ન આવતાં અને ફોન પણ રિસીવ ન કરતાં પરિવારજનો ઓફિસે તપાસ કરવા જતાં તે લટકતી હાલતમાં મળતાં રાજકોટ ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શક્યો નહોતો.
ફોન નથી ઉપાડતી, હવે હું મરી જઇશ: ઓડિયો મેસેજ
ચિરાગના મોબાઇલ ફોનમાં તેણે છેલ્લે એક યુવતીને વ્હોટસએપથી ઓડિયો મેસેજ મોકલ્યો હતો. જેમાં ‘તું ફોન નથી ઉપાડતી, હવે હું મરી જઇશ’ તેવી વાત કરતો સંભળાય છે. જોકે યુવતી કોણ છે? આપઘાતનું કારણ શું છે? તે અંગે પરિવારજનો જાણતાં ન હોય પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.