સાસુ હોય તો મિતાબેન જેવા… વિધવા પુત્રવધૂ ઘરમાં જ રહે એ માટે દીકરા જેવો જમાઈ શોધી ફરી લગ્ન કરાવ્યા

કોરોના કાળની સ્થિતિ તમામ લોકો માટે કપરી રહી હતી. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવા પડ્યા હતા. ત્યારે રાજકોટમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પટેલ સમાજમાં ભામાશા તરીકે ઓખળ ધરાવતા પ્રવિણભાઇ પાંભર અને હંસાબેન પાંભરને ત્યાં કોરોનામાં હૃદયદ્રાવક ઘટના બની હતી. પ્રવિણભાઇ પાંભરની પુત્રી એકતાના લગ્ન 2011માં મિતાબેન અને ચંદુભાઇ કોટડીયાના એકના એક દીકરા સમ્રાટ સાથે થયા હતા.

કોરોનાના કપરા સમયમાં એકતાબેને પતિ સમ્રાટભાઇ અને સસરા ચંદુભાઇનું 15 દિવસના અંતરે અકાળે દુ:ખદ અવસાન થયું હતું. બાદમાં સાસુ મિતાબેને પુત્રવધૂ એકતા માટે દીકરા જેવો જમાઇ શોધી ફરી સંસાર મંડાવ્યો છે. જમાઇ પોતાના અને સસરાના ઘરનો પણ વ્યવસાય સંભાળી બે પરિવાર માટે આધારસ્તંભ બનશે.

બે સંતાનોએ નાની ઉંમરે પિતા અને દાદાનો પ્રેમ ગુમાવ્યો
કોરોનાની દુ:ખભરી પરિસ્થિતિમાં પુત્રવધૂ એકતા અને તેમના સાસુ મિતાબેન પર શું વીતી હશે તે તો અંદાજ પણ આપણે ન લગાવી શકાય. માત્ર 15 દિવસના અંતરમાં ઘરના બે મોભી ગુમાવ્યા હતા. હાલમાં સાસુ-વહુ અઢી વર્ષથી એકલા રહેતા હતા.

એકતાબેનને સંતાનમાં બે બાળકો ગ્રીષ્ટા(ઉં.વ.9) અને દ્વિજ(ઉં.વ.6) છે. આ બન્ને બાળકો નાની વયે પિતાની છત્રછાયા અને દાદાના પ્રેમની હુંફ ગુમાવી છે. આ બંનેના અવસાન બાદ એકતા અને તેમના સાસુ મિતાબેન એકલા રહી ઘર સંસાર સંભાળતા હતા.

એકતાના પિતા પણ મીતાબેનની મદદે આવ્યા
પોતાના વ્હાલસોયા દીકરાને ગુમાવ્યા બાદ દીકરી જેવી વહુને આખુ જીવન એકલું જીવવું ન પડે અને બે બાળકોને પિતાની છત્રછાયા મળે તેવા વિચારથી એકતાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે મીતાબેને પુત્રવધૂ એકતાના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી.

ત્યારે એકતાના પિતા પ્રવીણભાઇએ નક્કી કર્યુ કે, એકતા માટે એવા વ્યક્તિની પસંદગી કરવી જે દીકરીના સાસરીયામાં પણ રહે અને દીકરીના સાસુની પણ સંભાળ રાખે. આવા યોગ્ય યુવક સાથે લગ્ન કરાવવા સમાજમાંથી યુવકની શોધ ચાલુ કરી.

ગોંડલના રવિ સાથે એકતાના 17 ઓગસ્ટે લગ્ન સંપન્ન થયા
સાસુને પણ પુત્ર જેવો આધાર મળે તેવા આશય સાથે આખરે યોગ્ય યુવક પણ મળતા પરિવારમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના રહેવાસી કાંતાબેન મહેશભાઇ આસોદરીયાના એન્જિનિયર પુત્ર રવિ સાથે એકતાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.

17 ઓગસ્ટના રોજ એકતા અને રવિના હિન્દુ રિત રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. હવે રવિ સાસુ મીતાબેન અને પત્ની એકતા સાથે રહી તેમનું ઘર અને સાથે વ્યવસાય પણ સંભાળશે. પૂરા સમાજ માટે આ પ્રેરક કિસ્સો બન્યો છે.

error: Content is protected !!