લગ્નની પહેલી રાત પણ નહોતી વિતીને નવવધૂએ કર્યો એવો કાંડ કે પરિવાર હચમચી ગયો
રાજકોટ: લગ્નવાંછુકો માટે રાજકોટમાં વધુ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. પાત્રની ખરાઈ કર્યા વગર લગ્ન કરવા રાજકોટના યુવકને મોંઘા પડ્યા હતા. વાત એમ બની છે કે રાજકોટના યુવકે 80 હજાર રૂપિયા આપીને નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા હતા. નાસિકથી રાજકોટ આવ્યા બાદ 12 કલાકનો સમય પણ નહોતો વિત્યોને યુવતી છૂમંતર થઈ ગઈ હતી. એટલું જ નહીં યુવતી સાથેસાથે દાગીના અને કપડાં પણ લેતી ગઈ હતી.
મળતી માહિતી મુજબ રાજકોટના રોહિતદાસપરામાં રહેતા અને હેલ્પર તરીકે નોકરી કરતાં 35 વર્ષના ધનજીભાઈ મકવાણા લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. ધનજીભાઈને માહિતી મળી હતી કે રાજકોટના કોઠારિયા ખાતે રહેતો સુરેશ નામનો યુવાન પૈસા લઈને પાત્ર શોધી લગ્ન કરાવી આપે છે.
આથી તેમણે સુરેશનો સંપર્ક સાધ્યો હતો. કોઠારિયાના સુરેશે ધનજીભાઈને 80 હજારમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી અને તેમણે તે માટે 5 હજાર રૂપિયા પોતાનો ચાર્જ નક્કી કર્યો હતો. જે ધનજીભાઈએ ચૂકવી આપ્યો હતો. બાદમાં ધનજીભાઈ તેના સંબંધીઓ અને સુરેશ સાથે મળીને કારમાં રાજકોટથી નાસિક ગયા હતા.
નાસિકમાં સુરેશે ગૌશાળાની બિલ્ડિંગમાં એક યુવતીને બોલાવી હતી. જેણે તેની ઓળખ કાજલ તરીકે આપી હતી. કાજલ અને સુરેશભાઈ એકબીજાને પસંદ આવી જતાં લગ્ન નક્કી કરાયા હતા. આ સાથે કાજલ સાથે આવનાર અન્ય એક મહિલાને ધનજીભાઈએ નક્કી કર્યા મુજબ 80 હજાર રૂપિયા આપ્યા હતા.
બીજા દિવસે સવારે ગૌશાળામાં જ બંનેએ એકબીજાને ફુલહાર પહેલા લગ્નવિધિ સમાપ્ત કરી હતી. લગ્ન પતાવી ધનજીભાઈ કાજલ અને સંબંધીઓ સાથે કારમાં નાસિકથી રાજકોટ આવ્યા હતા. બીજા દિવસે સવારે સાત વાગ્યે રોહિતદાસપરામાં ઘરે આવેલી નવવધૂને ધનજીભાઈના માતાએ પોંખીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ઘરે આવીને કાજલ થાકી ગઈ હોવાનું કહીને રૂમમાં સુવા ચાલી ગઈ હતી.
બાદમાં કાજલે કપડાં લેવા હોવાનું કહેતાં ધનજીભાઈ તેમને માર્કેટમાં કપડાં લેવા લઈ ગયા હતા. ધનજીભાઈ કાજલને 3500 રૂપિયા કપડાં લઈ આપ્યા હતા. ઘરે આવ્યા બાદ કાજલે નાસ્તો કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં ધનજીભાઈ તેના માટે ઘુઘરા લઈ આવ્યા હતા. યુવતીએ ધનજીભાઈ અને તેના નાનાભાઈ સાથે મળીને ઘુઘરા ખાઘા હતા.
ત્યાર બાદ સાંજે સાત વાગ્યે યુવતીએ ધનજીભાઈ અને તેના નાનાભાઈને કપડાં બદલવા છે એવું કહેતાં બંને રૂમથી બહાર આવી ગયા હતા. ધનજીભાઈ અને તેનો નાનોભાઈ રૂમથી બહાર નીકળતાં જ કાજલે અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. થોડી જ વારમાં કાજલ બંધ રૂમના બીજા દરવાજેથી બહાર નીકળીને છૂમંતર થઈ ગઈ હતી.
થોડા સમય પછી ધનજીભાઈએ ખટખટાવવા છતાં ઉઘાડ્યો નહોતો. શંકા જતાં ધનજીભાઈએ તપાસ કરતાં ખબર પડી કે યુવતી તો નાસી ગઈ છે. એટલું જ નહીં સાથે 10 હજારના દાગીના અને કપડાં પણ લઈ ગઈ હતી. યુવતી નાસી ગયાની જાણ થતાં જ ધનજીભાઈ તરત બહાર આવીને રોડ અને શેરી પર જઈને જોયું તો ક્યાંય યુવતી દેખાતી નહોતી.
તેમણે તાત્કાલિક બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશને પણ તપાસ કરી પણ ત્યાં પણ યુવતીની ભાળ મળી નહોતી. આમ યુવતી 12 કલાકની અંદર પૈસા, દાગીના અને કપડાં લઈને જતી રહેતા પરિવાર પર આફત આવી પડી હતી.