અનાથ યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી પીંખતો રહ્યો નરાધમ
એક હિચકારી ઘટના સામે આવી છે. રાજકોટમાં યુવાને ઇન્સ્ટાગ્રામમાં ખોટું એકાઉન્ટ બનાવી અનાથ યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આરોપી યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હકિકત જણાવતા પોલીસે આ શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચ ખાતે એક યુવતી ફરિયાદ માટે આવી હતી અને પોતાની સાથે તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરીયાદ કરી હતી. ક્રાઈમ બ્રાંચના PI જે.વી.ધોળાએ મહિલા PSI બી.જે. કડછાની હાજરીમાં યુવતીની સમગ્ર હકિકત જાણી તાત્કાલિક ટીમને કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સુરેન્દ્રનગરના જોરાવરનગરના વણકરવાસના રહેવાસી અને રાજકોટમાં જમનાપાર્ક શેરી નં. 10 મોરબી રોડ જકાત નાકા પાસે રહેતા અને કપડાની દુકાનમાં નોકરી કરતા દુર્ગેશ અશોકભાઇ રાઠોડની ધરપકડ કરી હતી.
પકડાયેલા દુર્ગેશે ઇન્સ્ટાગ્રામમાં મનદિપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા નામનું ખોટા નામનું ID બનાવ્યું હતું. બાદમાં રાજકોટમાં રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી એક અનાથ યુવતીને ફસાવી હતી. ભોગ બનનાર યુવતીને આ કામના આરોપીએ છેલ્લા બે વર્ષથી આ ખોટી ઓળખ આપી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોતાની સાથે છેતરપિંડી થતા ભોગ બનનાર યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. બનાવની હકિકત મહિલા PSI કડછાને જણાવ્યા બાદ ભોગ બનનાર યુવતીને મહિલા પોલીસ મારફતે ફરિયાદ લેવડાવી કાઉન્સિલિંગ કરી પૂરતો સાથ સહકાર આપી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દુર્ગેશ વિરુદ્ધ ખોટી ઓળખ આપી ઇન્સ્ટાગ્રામમાં ખોટું નામ ધારણ કરી ખોટા નામનું ID બનાવી ભોગ બનનારને છેલ્લા બે વર્ષથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ વારંવાર બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા. લગ્ન ન થયા હોવા છતાં ભોગ બનનારને પત્ની તરીકે રાખી હતી. આરોપીની સાચી ઓળખ છતી થતાં માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.