રાજકોટના ધોરાજીમાં ગીષ્મા જેવી જ ઘટના થતા થતા અટકી, પરિણીતાના નાક અને વાળ કાપી નાખ્યા

ધોરાજીની પરિણીતા પ્રેમી સાથે સતત ઝઘડાથી કંટાળી માવતરે જતી રહી હતી, આથી તેને પરત લાવવા રાજકોટના પ્રેમી સુલતાન જુણેજા સહિત બે શખસ બે દિવસ પહેલાં રાત્રિના સમયે તેના ઘરે ધસી ગયા હતા. અહીં સુલતાને છરીથી ઘાતકી હુમલો કરી પરિણીતાના નાક અને વાળ કાપી નાખ્યા હતા, સાથોસાથ એવી ધમકી આપી હતી કે જો તું રાજકોટ પાછી નહીં આવે તો હજુ તારી હાલત ખરાબ કરી નાખીશ.

જોકે આ અંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાએ આપવીતી જણાવી હતી કે સુલતાન મારા પર અસહ્ય સિતમ ગુજારતો હતો, ડ્રગ્સ પીવડાવીને મારી પાસે ખોટાં કામ કરાવતો હતો. મારા જ ન્યૂડ ફોટા મને બતાવીને જાહેર કરવાની ધમકી આપતો હતો. જોકે આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકમાં પ્રેમી સુલતાન અને તેના મિત્ર રાહુલની ધરપકડ કરી લીધી છે.

મને અંધારામાં રાખી નિકાહ કરી લીધા
ત્રણ સંતાનની માતા અને પ્રેમીના હુમલામાં ઘવાયેલી પીડિતાએ હોસ્પિટલમાં આપવીતી વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે જે-તે સમયે મને પતિ સાથે વાંધો પડ્યો હતો અને સુલતાને મને સહાનભૂતિ આપી હતી કે હું તને સારી રીતે સાચવીશ. આથી પ્રેમમાં તણાઇને હું તેની સાથે રહેવા આવી ગઇ. સુલતાન પરણેલો હતો એ મને ખબર નહોતી, પછી તેણે એવું કહ્યું કે હું છૂટાછેડા લેવાનો છું અને મારી સાથે ખોટી રીતે નિકાહ પણ કરી મને અંધારામાં રાખી હતી.

અગાઉ કોઇ અધિકારીએ મારી ફરિયાદ લીધી નહોતી
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે સુલતાન ડ્રગ્સની હેરાફેરી કરે છે અને બૂટલેગર છે. મને પણ અવારનવાર ડ્રગ્સ પીવડાવીને બાદમાં મારી પાસે ખોટાં કામ કરાવતો, મારો લાભ લેતો અને બાદમાં હું જ્યારે પ્રતિકાર કરું ત્યારે મારા જ ન્યૂડ ફોટા મને બતાવી તેને જાહેર કરી દેવાની ધમકી આપતો. સુલતાનના આવા ત્રાસથી કંટાળીને મેં ધોરાજી પોલીસમાં અગાઉ પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ અધિકારીએ મારી ફરિયાદ લીધી નહોતી અને આજે મારી સાથે આવી ઘટના બની છે.

હું માવતરે જતી રહેતાં સુલતાનને પસંદ આવ્યું નહીં
ધોરાજીની આંબાવાડી કોલોનીમાં રહેતી પરિણીતાએ હોસ્પિટલના બિછાનેથી રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જાનમહંમદ જુણેજા અને તેના મિત્ર રાહુલ સામે ફરિયાદ નોંધાવી હતી. એમાં જણાવ્યું હતું કે મારે ત્રણ સંતાનો છે અને એક વર્ષ પહેલાં તેનો પરિચય સહેલી મારફત સુલતાન સાથે થયો હતો અને પ્રેમસંબંધ આગળ વધતાં તે નવ મહિના સુધી સુલતાન સાથે રહી હતી.

જોકે સુલતાન વારંવાર ઝઘડો કરતો અને મારકૂટ કરતો હોવાથી કંટાળીને તે એક મહિનાથી પરત ધોરાજી માવતરે આવી ગઇ હતી, જે સુલતાનને પસંદ પડ્યું નહોતું, આથી તે વારંવાર પરિણીતાને પરત આવી જવાની ધમકી આપતો હતો, પરંતુ મહિલા ટસની મસ ન થતાં અંતે રાહુલ સાથે સુલતાન તેના ઘરે પહોંચ્યો હતો અને પરત આવવા ધાકધમકી આપી હતી અને બબાલ વધતાં છરીથી હુમલો કરી પરિણીતાના નાક અને વાળ કાપી નાખ્યા હતા.

error: Content is protected !!