યુક્રેનથી રાજકોટ આવેલા બે વિદ્યાર્થીએ વર્ણવી આપવીતી, કેવા હતા યુદ્ધની સ્થિતિ વચ્ચે કાઢેલા 24 કલાક, જાણીને પગ ધ્રુજવા લાગશે

મોડી રાત્રે 3.30 કલાકે અચાનક બોમ્બના ધડાકાનો અવાજ સંભળાતા અમે જાગી ગયા હતા અને ફફડી ઉઠ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, પરંતુ ગુરુવારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. યુક્રેનમાં રશિયાએ એટેક કરી દેતા ચારેબાજુ ભાગદોડ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ એરપોર્ટ જવા નીકળ્યા હતા પરંતુ તમામ ફ્લાઈટ રદ હોવાનું અને એરપોર્ટ પણ બંધ હોવાનું જણાવાયું હતું. ત્યાંથી ભારતીય વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસી ખાતે એકઠા થયા હતા પરંતુ ત્યાં પણ કોઈ વ્યવસ્થા ન હતી. અમને પેનિક ન થવા આશ્વાસન અપાતું હતું.

ગુરુવારે આખો દિવસ મોલ અને એટીએમમાં સૌથી વધુ ભીડ ઊમટી હતી. સાંજ સુધીમાં મોલ ખાલી થવા લાગ્યા હતા લોકો રાશનનો સ્ટોક કરવા લાગ્યા હતા. એટીએમમાં પૈસા ઉપાડવા માટે ત્રણ-ત્રણ કલાક લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. યુક્રેનની રાજધાની કિવ એરપોર્ટ પર રશિયન આર્મી આવી ગઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓ પાસે બે-ત્રણ દિવસ તો કેટલાક વિદ્યાર્થીઓ પાસે અઠવાડિયું ચાલે તેટલું રાશન ઉપલબ્ધ છે. ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમને પાસપોર્ટ, વિઝા, સામાન પેક કરી તૈયાર રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત જ્યાં સૌથી વધુ જોખમ છે તે જગ્યામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનની બાજુમાં આવેલા પોલેન્ડ સહિતના દેશમાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવા માટેની તૈયારી મોડી સાંજે શરૂ કરવામાં આવી હતી. આ શબ્દો છે યુક્રેનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીઓનું એક ખાનગી અખબાર યુક્રેનની પળેપળનું રિપોર્ટિંગ કરી રહી છે.

રાજકોટના હર્ષ સોની, દૃષ્ટિ નાવલે, જાનવી ઠક્કર, દિપેન ડોબરિયા અને પાર્થ શૈલેષકુમાર પટેલ હજુ યુક્રેનમાં છે. ગોંડલની વિદ્યાર્થિની બંસી રાજેશભાઈ રામાણી, દેવાંશી શૈલેષભાઈ દાફડા અને ધારા પરેશભાઈ વોરા જેઓ ત્રણેય સાથે જ એમબીબીએસનો અભ્યાસ કરે છે ત્યાં ફસાયા છે. આ ઉપરાંત મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે પણ યુક્રેનના ટર્નાપીલ શહેરમાં રહે છે.

ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓને કહી દીધું, ભારત જવાની હાલ કોઈ વ્યવસ્થા નથી
યુક્રેનમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હજુ ફસાયેલા છે ત્યારે ગુરુવારે રશિયાએ કરેલા હુમલા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસી ખાતે ઊમટી પડ્યા હતા, પરંતુ એમ્બેસીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને હાલ કોઈ વ્યવસ્થા ભારત જવાની નહીં હોવાનું જણાવી દેતા વિદ્યાર્થીઓ ફરી હોસ્ટેલ જતા રહ્યા હતા. એમ્બેસી દ્વારા વિદ્યાર્થીઓને પાસપોર્ટ, વિઝા અને સામાન પેક કરીને તૈયાર રહેવા જણાવ્યું છે. જ્યારે વ્યવસ્થા થશે ત્યારે સંપર્ક કરીને બોલાવાશે.

ડબલ ભાડું ચૂકવી યુક્રેનથી રાજકોટ પહોંચી
યુક્રેનથી આવેલી કૃતિ શર્મા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે હું 20 તારીખે જ યુક્રેનથી રાજકોટ આવી છું. યુક્રેનના કિવથી કતર, ત્યાંથી દોહા, અને દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટ મારફત હું ગુજરાત પહોંચી. સામાન્ય રીતે એર ટિકિટ 30થી 35 હજાર થતી હોય છે પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે હું પણ ડબલ ભાડું રૂ. 70 હજારની ટિકિટ ખરીદીને ભારત પરત આવી છું.

એમ્બેસીએ મહિના પહેલાં ઘેર જવા કહ્યું હતું
યુક્રેનથી રાજકોટ આવેલ સત્યજિતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ થાય તેવી સ્થિતિ હતી. જેથી અભ્યાસ પણ ઓનલાઈન ચાલતો હતો. ઇન્ડિયન એમ્બેસી દ્વારા એક મહિના પહેલા જ અહીં ભણતા વિદ્યાર્થીઓને પોતાના ઘેર જતું રહેવા જણાવી દીધું હતું. હું જ્યાં સુધી યુક્રેનમાં હતો ત્યારે બધું નોર્મલ હતું.

‘અમને સુરક્ષિત ઘેર પહોંચાડો’
જર્નવિત્સીમાં અભ્યાસ કરતા રાજકોટના દિપેન ડોબરિયાએ કહ્યું કે, અમારું આ શહેર સૌથી સુરક્ષિત છે. પરંતુ પેનિક ખૂબ છે. એટીએમમાં પણ ઉપાડના નિયંત્રણો કરી દેવાયા છે. અનાજ સામગ્રીના ભાવ ડબલ થઈ ગયા છે.

જ્યારે હર્ષ સોની નામના વિદ્યાર્થીએ યુક્રેનથી વિડિયો બનાવી ભારત મોકલ્યો છે જેમાં તેણે કહ્યું કે, અમારી પાસે ફ્લાઈટની ટિકિટ છે પરંતુ બધી ફ્લાઇટ રદ છે. ભારત સરકાર ઝડપથી મદદ કરે અને અમને સુરક્ષિત ઘેર પહોંચાડે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

error: Content is protected !!