માત્ર 13 વર્ષની ઉંમરે સંસારની ચમકદમક અને તમામ સુખો ત્યાગીને હવે જીવશે સાદગીપૂર્ણ જીવન

શિવાંગી રાજસમંદ જિલ્લામાં લંબોડી ગામમાં રહે છે. પિતા અંકિત ગન્ના જ્વેલરીનો વ્યવસાય કરે છે. 25 ફેબ્રુઆરી 2009એ શિવાંગીનો જન્મ થયો હતો. હવે 14મા જન્મદિવસના 8 દિવસ પહેલાં તે દીક્ષા લેશે. મા-બાપે જણાવ્યું હતું કે શિવાંગી નાનપણથી જ ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ ધરાવતી હતી. નાની ઉંમરમાં પણ તે જૈન સાધુ-સાધ્વીઓની ધર્મ સભાઓમાં જઈને તેમનાં પ્રવચનો સાંભળતી હતી. તેથી તેણે 2019માં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારે પરિવારજનોએ આ વાત સાંભળી તો તેઓ પણ ચોંકી ગયાં હતાં. શિવાંગીને સમજાવી પણ ખરી, પણ તે ન માની. તે જૈન સાધ્વીઓની સેવામાં લાગેલી રહી. 6 મહિના સુધી જૈન સાધ્વીઓની સેવા સાથે તેમના સાથે રહેતી હતી. શિવાંગી સાધ્વીઓ સાથે 400KMની પગપાળા યાત્રા પર કરી ચૂકી છે. હવે 17 ફેબ્રુઆરીએ બ્યાવરમાં તે દીક્ષા ગ્રહણ કરશે.

દીક્ષા લઈ રહેલી શિવાંગીએ ચોથા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. તે ચોથા ધોરણ સુધી બ્યાવરની સેન્ટ પોલ સ્કૂલમાં ભણી હતી. તેણે અભ્યાસ છોડીને જૈન સંત-સાધ્વીઓના સાંનિધ્યમાં શિક્ષા ગ્રહણ કરવાનું શરૂ કરી દીધું. સાંસારિક જીવનથી સંયમ પથનો નિર્ણય લીધા બાદ તે જૈન સાધુ-સાધ્વીઓની સેવામાં વ્યસ્થ રહેતી હતી.

શિવાંગીએ જણાવ્યું હતું કે ઘણા લોકો મને કહે છે, તું આટલી નાની ઉંમરમાં કેમ દીક્ષા લઈ રહી છે? થોડી મોટી થઈને લે જે, મારું કહેવું છે કે હું નાની છું, પણ તમે તો મોટા છો. તમે કેમ હજી પણ સંસારમાં બેઠા છો? મૃત્યુનું કનેક્શન જેમ ઉંમર સાથે નથી એવી જ રીતે દીક્ષાનું કનેક્શન ઉંમર સાથે નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે દેશની સુરક્ષા કરનારા જવાનોને પૂછીને આવો કે શું ઘરે બેઠા તેઓ દેશની સુરક્ષા કરી લેશે? જવાન સોલ્જરથી તમને એ જ જવાબ મળશે કે ઘરે બેઠા સુરક્ષા સંભવ નથી એમ મારા માટે પણ ઘરે રહીને ધર્મની સેવા કરવાનું સંભવ નથી.

દીક્ષા સમારોહ 13થી 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. 17 ફેબ્રુઆરીએ વિજય પદ્મભૂષણ રત્નસૂરિશ્વર મહારાજ અને આચાર્ય વિજયનિપુણરત્નસૂરિશ્વર મહારાજ સહિત આદિ ઠાણા 46 સાધુ-સાધ્વીની હાજરીમાં મુમુક્ષુ શિવાંગીને દીક્ષા આપવામાં આવશે. દીક્ષા લેનારને મુમુક્ષુ કહેવામાં આવે છે.

ગન્ના પરિવારમાં અત્યારસુધી 2 પેઢીના 10 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે. દીક્ષા લેવા જઈ રહેલી શિવાંગીનાં દાદા-દાદી, 5 ફોઈ અને 2 કાકા સંયમ પથ સ્વીકારી ચૂક્યાં છે. હવે ગન્ના પરિવારમાં ત્રીજી પેઢીના 11મા સભ્ય દીક્ષા ગ્રહણ કરશે. શિવાંગીની માતાએ કહ્યું, દીકરી દીક્ષા લઈ રહી છે એનો મને આનંદ છે. મારી દીકરી દીકરા કરતાં ઓછી નથી.

error: Content is protected !!